વિલાયત જીઆઈડીસીના ઉદ્યોગો દ્વારા વાયુ પ્રદુષણ ફેલાવતા લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા છતાં તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી નહીં!

SHARE:

– દુર્ગંધયુક્ત ધુમાડો અને ગેસ સમગ્ર વિસ્તારમાં ફેલાતા લોકોને શ્વાસ લેવામાં તકલીફ 

ભરૂચ,

ભરૂચ જીલ્લાના વાગરા તાલુકાની વિલાયત જીઆઈડીસી અને આસપાસની ઔદ્યોગિક વસાહતોમાં વાયુ પ્રદૂષણનો મુદ્દો ફરી ગંભીર બન્યો હોવાના આક્ષેપો વચ્ચે સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.સ્થાનિકોનું કહેવું છે કે વહેલી સવારે કેટલીક કંપનીઓ માંથી નીકળતો દુર્ગંધયુક્ત ધુમાડો અને ગેસ સમગ્ર વિસ્તારમાં ફેલાઈ જાય છે,જેના કારણે લોકોને શ્વાસ લેવામાં ભારે તકલીફ પડી રહી છે.સ્થાનિકોના આક્ષેપ મુજબ, વહેલી સવારમાં વાતાવરણમાં એટલી અસહ્ય દુર્ગંધ છવાઈ જાય છે કે ઘરની બહાર નીકળવું પણ મુશ્કેલ બની જાય છે.આંખોમાં બળતરા,ગળામાં ચુભન, ઉધરસ અને શ્વાસની તકલીફ જેવી ફરિયાદો સતત સામે આવી રહી છે.સૌથી મોટો પ્રશ્ન એ છે કે આરોગ્યની કિંમત પર ઉદ્યોગો કેટલો સમય સુધી નફાનો ખેલ રમશે?

આસપાસના ગ્રામજનોનો આક્ષેપ છે કે દિવસ દરમિયાન નિયમોનું પાલન કર્યાનો દેખાવ કરતી કેટલીક કંપનીઓ વહેલી સવારે અથવા રાત્રિના સમયે પ્રદૂષિત વાયુ છોડે છે. જો આ આક્ષેપો સાચા હોય તો તે માત્ર પર્યાવરણ કાયદાનો ભંગ નહીં, પરંતુ હજારો લોકોના આરોગ્ય સાથેનો ગંભીર ખેલ ગણાય. હવે લોકો જીપીસીબી અને જિલ્લા તંત્રને સીધો સવાલ કરી રહ્યા છે કે જો સતત પ્રદૂષણની ફરિયાદો ઉઠી રહી છે તો તપાસ ક્યાં છે?જવાબદાર કંપનીઓ સામે કાર્યવાહી કેમ નથી? લોકોની માંગ છે કે તાત્કાલિક એર ક્વોલિટી ચેક કરવામાં આવે, દોષિત કંપનીઓના નામ જાહેર કરવામાં આવે અને કડક કાનૂની કાર્યવાહી કરવામાં આવે. વિકાસના નામે જો લોકોના શ્વાસ ઝેરી બનાવવામાં આવે, તો એવો વિકાસ લોકો માટે નહીં પરંતુ વિનાશ સમાન છે.હવે કાર્યવાહીનો સમય છે, માત્ર કાગળ પરની તપાસનો નહીં.

BNI News
Author: BNI News

Leave a Comment

error: Content is protected !!