નાંદરવા ખાતે સેવા સેતુ કાર્યક્રમમાં પીએમ સૂર્ય ઘર મુફ્ત વીજળી યોજનાનું વિસ્તૃત માર્ગદર્શન અપાયું

SHARE:

(ગણપત મકવાણા,પંચમહાલ)

શહેરા તાલુકાના નાંદરવા ગામ ખાતે આવેલી પ્રાથમિક શાળામાં ‘સેવા સેતુ 2.1’ કાર્યક્રમનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ગ્રામજનોને વિવિધ સરકારી સેવાઓ અંગે માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું. આ પ્રસંગે એમજીવીસીએલ કોર્પોરેટ ઑફિસ અને કાર્યપાલક ઈજનેર પી.બી.પટેલના માર્ગદર્શન હેઠળ શહેરા-2 પેટા વિભાગીય કચેરી દ્વારા એક વિશેષ કેમ્પ યોજાયો હતો. આ કેમ્પમાં નાંદરવા સહિત આસપાસના ગાંગડીયા, મીરાપુર, છોગાળા, સગરાડા, ખટકપુર, સદનપુર, ભુનિદ્રા તથા ધાધલપુર ગામના લોકોને ‘પ્રધાનમંત્રી સૂર્ય ઘર મુફ્ત વીજળી યોજના’ના લાભો, પાત્રતા, રૂફટોપ સોલાર સ્થાપન પ્રક્રિયા અને ઓનલાઈન અરજી કરવાની પદ્ધતિ વિશે વિગતવાર માહિતી આપવામાં આવી હતી. કેમ્પ દરમિયાન કેન્દ્ર સરકારની સબસિડી વિશે જણાવતાં સ્પષ્ટ કરાયું હતું કે 1 કિલોવોટ માટેારૂ 30,000, 2 કિલોવોટ માટે રુ 60,000 અને 3 કિલોવોટ કે તેથી વધુની સિસ્ટમ માટે મહત્તમ રુ 78,000 સુધીની સબસિડી મળવાપાત્ર છે.આ ઉપરાંત, સોલાર સ્થાપનથી વીજ બિલમાં થતી બચત અને વધારાની વીજળી અંગે પણ ગ્રામજનોને જાગૃત કરવામાં આવ્યા હતા.

અધિકારીઓ દ્વારા ગ્રાહક નંબર અને મોબાઈલ નંબર દ્વારા ઓનલાઈન રજીસ્ટ્રેશન કરવાની રીતનું પ્રાયોગિક માર્ગદર્શન આપવામાં આવ્યું હતું અને જરૂરિયાતમંદ ગ્રામજનોની પીએમ સૂર્ય ઘર યોજનાની ઓનલાઈન અરજીઓનું સ્થળ પર જ રજીસ્ટ્રેશન કરી આપવામાં આવ્યું હતું. આ સાથે જ ગ્રામજનોને ‘ઝૂંપડપટ્ટી યોજના’ના હેતુ, પાત્ર લાભાર્થીઓ, નવું વીજ જોડાણ મેળવવાની પ્રક્રિયા અને જરૂરી દસ્તાવેજો અંગે જરૂરી માર્ગદર્શન આપી નિયમોનુસાર અરજી કરવા પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.એમજીવીસીએલ દ્વારા યોજાયેલા આ કેમ્પનો મુખ્ય હેતુ ગ્રામ્ય વિસ્તારના વીજ ગ્રાહકો સુધી સ્વચ્છ ઊર્જા અને રૂફટોપ સોલારના લાભો પહોંચાડી વધુમાં વધુ લોકોને આ યોજનાનો લાભ લેવા માટે પ્રેરિત કરવાનો રહ્યો હતો.

BNI News
Author: BNI News

Leave a Comment

सबसे ज्यादा पड़ गई
error: Content is protected !!