– જુના ભરૂચમાં ઈમારતો ધરાશયથી લોકોમાં ભયનો માહોલ : જોખમી અને જર્જરિત મકાનો સામે તંત્ર દ્વારા સર્વે કરી કાર્યવાહી કરવા માંગ
ભરૂચ,
ભરૂચ શહેરના નવાડેરા નજીક દાજી કલ્યાણની ખડકી વિસ્તારમાં મધરાતે એક જર્જરિત મકાનનો ભાગ અચાનક તૂટી પડ્યો. આ ઘટના રાત્રિના લગભગ 12 વાગ્યાની આસપાસ બની હતી. મકાન પડતા આસપાસના લોકોમાં ગભરાટ ફેલાઈ ગયો હતો.
સ્થાનિક લોકોના કહેવા મુજબ, આ મકાન લાંબા સમયથી ખૂબ જ જૂની અને ખરાબ હાલતમાં હતું.તેના કારણે જોખમ હતું.મકાન તૂટી પડતા તેનો કાટમાળ રસ્તા પર અને આસપાસના વિસ્તારમાં ફેલાઈ ગયો હતો.જોકે સદ્દનસીબે આ ઘટના રાત્રે બની હોવાથી કોઈ વ્યક્તિ કાટમાળ નીચે દબાઈ ન હતી.જેના કારણે કોઈને ઈજા થઈ ન હતી અને મોટો અકસ્માત ટળ્યો હતો. ઘટનાની જાણ થતા જ સ્થાનિક લોકો તરત જ ઘટના સ્થળે પહોંચી ગયા હતા.
પાલિકા તંત્રએ આ જર્જરિત મકાન અંગે અગાઉ કોઈ નોટિસ આપી હતી કે નહીં.જો નોટિસ આપી હોય તો તેનું પાલન કેટલું થયું હતું.જેવા સવાલો ઉઠવા પામ્યા છે.
સ્થાનિક લોકો માંગ કરી રહ્યા છે કે જુના ભરૂચમાં હજુ પણ આવા જોખમી અને જર્જરિત મકાનો હોય તો તંત્ર દ્વારા સમયસર સર્વે કરવામાં આવે તેમજ આવા મકાનો સામે જરૂરી પગલા લેવામાં આવે જેથી મોટી દુર્ઘટના થતી અટકાવી શકાય.



