– જી.આર.ડી જવાનોની હાજરીમાં ૪૦ થી ૫૦ ટન સુધીના વાહનો પસાર થતા હોવાના વિડિઓ સામે આવતા ખળભળાટ
ભરૂચ,
મળતી માહિતી મુજબ ગત રોજ રાત્રિના ૧૨ વાગ્યા પછી જંબુસર તરફથી આવતાં કેટલાક ભારદારી વાહનોને ઢાઢર નદીના બ્રિજ પરથી પસાર કરાવવામાં આવતા હોવાના વીડિયોને લઈને સોશિયલ મીડિયામાં પણ ભારે ચર્ચાઓ શરૂ થઈ છે.
ભારદારી વાહનોને પસાર કરાવવા માટે કથિત રીતે રૂપિયા ૫૦૦ આપ્યા હોવાના ટ્રક ડ્રાઈવરે આક્ષેપ કર્યો હતો.જી.આર.ડી જવાનોની હાજરીમાં કેટલાક મળતિયાઓ દ્વારા વાહનોને આગળ જવા દેવામાં આવતા હતા. જે અંગે એક ટ્રક ચાલકનો વીડિયો પણ સામે આવ્યો હતો. ઢાઢર નદીના બ્રીજ ઉપરથી ૪૦ થી ૫૦ ટન વજન ધરાવતા આશરે ૩૦ થી વધુ ભારદારી વાહનો ફિલ્મી ઢબે પસાર કરવામાં આવ્યા હતા.જેને બ્રિજની સલામતી સામે ગંભીર જોખમ માનવામાં આવી રહ્યું છે.
ભરૂચ જિલ્લા કલેક્ટર દ્વારા ૨૫ ટનથી વધુ વજનના ભારદારી વાહનો ઉપર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હોવા છતાં રાત્રીના સમયે નિયમિત રીતે ઓવરલોડ વાહનો પસાર થતા પ્રતિબંધના અમલ સામે સવાલો ઊભા થઈ રહ્યા છે.ભારદારી વાહનોને કારણે કોઈ દુર્ઘટના સર્જાય તો તેની જવાબદારી કોની રહેશે તેવો સવાલ પણ સ્થાનિકોમાં ચર્ચાઈ રહ્યો છે.
– પ્રત્યેક ટ્રક પાછળ ૫૦૦ ની કટકીથી લોકોના જીવ સાથે જોખમ? : જવાબદારી કોણ લેશે?
ઢાઢર નદીના બ્રીજ ઉપર ભારદારી વાહનોનો પ્રતિબંધ હોવા છતાં ઓવરલોડ વાહનોની અવરજવરથી બ્રિજની સલામતી અને મુસાફરોના જીવના જોખમનો પણ પ્રશ્ન ઊભો થાય છે.આ સમગ્ર મામલે જિલ્લા વહીવટી તંત્ર, પોલીસ તંત્ર તથા સંબંધિત વિભાગ દ્વારા તાત્કાલિક નજીકની હોટેલના તેમજ આમોદ પાલિકાએ મૂકેલા સીસીટીવી કેમેરા ચેક કરી તપાસ કરવામાં આવે તેવી સ્થાનિકોમાં માંગ ઉઠી છે.કારણ કે અકસ્માત કે નુકસાન થયા પછી જવાબદારી નક્કી કરવા કરતાં અગાઉથી નિયમોનો કડક અમલ થાય તે વધુ મહત્વનું છે.આ બાબતે જંબુસરના નાયબ પોલીસ અધિક્ષક પી.એલ.ચૌધરીનો ટેલિફોનીક સંપર્ક કરતા જણાવ્યું હતું કે મેં ભારદારી ટ્રકો બાબતે પી.આઈ ને કહ્યું છે.નજીકમાં વજન કાટો ના હોય ખ્યાલ નહીં આવે પણ મેં જાણ કરી છે.




