– નબીપુરની શૈક્ષણિક સંસ્થાના બાળકોએ ઉત્સાહ પૂર્વક ભાગ લીધો
(સલીમ કડુજી,નબીપુર)
ભરૂચ જિલ્લાના નબીપુર ખાતે વિદ્યાર્થીઓમાં વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ, સર્જનાત્મકતા,તર્કશક્તિ અને સંશોધનવૃતિને પ્રોત્સાહન આપવાના ઉમદા હેતુથી ધી નબીપુર સાર્વજનિક હાઈસ્કૂલ દ્વારા એક ભવ્ય ‘વિજ્ઞાન અને ગણિત પ્રદર્શન’ નું ગ્રામ્ય કક્ષાએ આયોજન કરવામાં આવ્યું હતું.વિજ્ઞાન વિચારોને પાંખ આપે છે અને ગણિત વિચારોને દિશા આપે છે એ સૂત્ર સાથે આ પ્રદર્શન યોજાયુ હતું.
આ પ્રદર્શનમાં શાળાના વિદ્યાર્થીઓ દ્વારા જાતે તૈયાર કરવામાં આવેલ વિવિધ કૃતિઓ અને મોડેલ્સ રજૂ કરવામાં આવ્યા હતા. જેમાં ખાસ કરીને વિજ્ઞાનના કાર્યરત મોડેલ, ગણિતના વિવિધ મોડેલ, નવીન અને સર્જનાત્મક પ્રોજેક્ટ્સ, ટેકનોલોજી આધારિત પ્રોજેક્ટ્સ, પર્યાવરણ આધારિત કૃતિઓ મૂકાઈ હતી. પ્રદેશન નું ઉદ્ઘાટન નબીપુર શૈક્ષણિક સંસ્થાના પ્રમુખના વરદ હસ્તે રીબીન કાપી કરાયું હતું.
ઉદ્દઘાટન સમારંભમાં શૈક્ષણિક સંસ્થાના પ્રમુખ આબીદભાઈ મેમ્બર, ઉપપ્રમુખ શાફિકભાઈ ખાનસાબ, ગામના ડેપ્યુટી સરપંચ ઈકરામભાઈ દશું, વાલી મંડળના પ્રમુખ સલીમભાઈ કડુજી અને ગામના પ્રતિસ્થીત વ્યક્તિઓ ઉપસ્થિત રહયા હતા.આ પ્રદર્શનમાં મૂકાયેલી કૃતિઓ જોઈને શાળાઓના બાળકો અને ગ્રામજનો પ્રભાવિત થયા હતા. આવા કાર્યક્રમો યોજાવાથી બાળકોમાં રહેલી પ્રતિભાઓ બહાર લાવી શકાય છે અને તેમનામાં જાત વિશ્વાસનો વધારો કરવામાં મદદરૂપ થાય છે.કાર્યક્રમના અંતે કાર્યક્રમને સફળ બનાવવા બદલ હાઈસ્કૂલના પ્રિન્સિપાલે ભાગ લેનાર તમામ બાળકો, નિર્ણાયકો અને સમગ્ર શિક્ષકગણ નો આભાર વ્યક્ત કર્યો હતો.




