– મુમતાજ પટેલને મહિલા પોલીસકર્મી દ્વારા જબરજસ્તી ગાડીમાં બેસાડવાનો પ્રયાસ કરાતા મામલો ગરમાયો
– વિરોધને લઈને કોંગી કાર્યકરો અને પોલીસ વચ્ચે ઘર્ષણ : કોંગી કાર્યક્રરોને ડિટેઈન કરી મામલો થાળે પાડ્યો
ભરૂચ,
ચૂંટણી કમિશ્નર જ્ઞાનેશ કુમારના રાજીનામા અને તેમની સામે કડક કાનૂની કાર્યવાહીની માંગ સાથે ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા કલેક્ટર કચેરી બહાર વિરોધ પ્રદર્શન યોજાયું હતું.જેમાં કોંગી કાર્યકરો અને પોલીસ વચ્ચે ઘર્ષણ સર્જાયું હતું તો બીજી તરફ મુમતાજ પટેલ અને મહિલા પોલીસકર્મી વચ્ચે તૂ તૂ મેં મેં ના દ્રશ્યો સર્જાયા હતા.પોલીસે મામલો થાળે પાડવા કોંગી અગ્રણીઓને ડિટેઈન કર્યા હતા.
ચૂંટણી કમિશ્નર જ્ઞાનેશ કુમારના રાજીનામા અને તેમની સામે કડક કાનૂની કાર્યવાહીની માંગ સાથે ભરૂચ કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરો કલેકટર કચેરી સામે ભેગા થઈ હાથે કાળી પટ્ટી ધારણ કરી હાથમાં બેનરો-પ્લેકાર્ડ સાથે કેન્દ્ર સરકાર અને ચૂંટણી પંચ વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરી વિરોધ નોંધાવ્યો હતો.સૂત્રોચ્ચાર સાથે કોંગ્રેસના આગેવાનો કલેક્ટર કચેરી તરફ આગળ વધવાનો પ્રયાસ કરતા પોલીસે બેરિકેડિંગ કરી તેમને અટકાવવાના પ્રયાસો કરવામાં આવ્યા હતા.આ દરમ્યાન કોંગી આગેવાનો દ્વારા કલેકટર કચેરીના બંધ ગેટ ઉપર ચઢી અંદર જવાના પ્રયાસો કરવામાં આવતા પોલીસ અને કોંગ્રેસ કાર્યકરો વચ્ચે ખેંચતાણના દ્રશ્યો સર્જાયા હતા.મહિલા પોલીસકર્મી દ્વારા મુમતાઝ પટેલને જબરજસ્તી ખેંચીને ગાડીમાં બેસાડવાના પ્રયાસો કરવામાં આવતા તૂ તૂ મેં મેં ના દ્રશ્યો પણ સર્જાયા હતા.જે બાદ કોંગ્રેસ કાર્યકરોની અટકાયત કરી તેમને ‘એ’ ડિવિઝન પોલીસ મથકે લઈ જઈ મામલો થાળે પાડી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી.
અટકાયત બાદ મીડિયા સાથે વાત કરતા મુમતાઝ પટેલે મહિલા પોલીસકર્મી દ્વારા કરવામાં આવેલ ગેરવર્તનને લઈને નારાજગી વ્યક્ત કરી હતી.તેમણે આક્ષેપ કર્યો હતો કે દેશમાં લોકશાહી અને બંધારણીય અધિકારો પર અસર થઈ રહી છે તથા ચૂંટણી પંચની કામગીરી સામે ગંભીર સવાલો ઊભા થયા છે.જ્ઞાનેશ કુમારે પદ પરથી રાજીનામું આપવું જોઈએ તેવી માંગ સાથે તેમણે આ લડાઈ લોકશાહીના રક્ષણ માટેની હોવાનું જણાવ્યું હતું.
કોંગ્રેસે આક્ષેપો સાથે ચૂંટણી પંચની કામગીરી અંગે વિરોધ નોંધાવી જવાબદારી નક્કી કરવાની અને કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ કરી હતી.વિરોધ પ્રદર્શનમાં સ્વર્ગીય અહેમદ પટેલના પુત્રી મુમતાઝ પટેલ, જિલ્લા કોંગ્રેસ પ્રમુખ રાજેન્દ્રસિંહ રણા,પૂર્વ પ્રમુખ પરિમલસિંહ રણા,શહેર પ્રમુખ સલીમ અમદાવાદી,મીડિયા પ્રવક્તા નાઝુ ફડવાલા, તાલુકા પ્રમુખ મકબુલ અભલી,કોંગી આગેવાન શેરખાન પઠાણ,સમશાદઅલી સૈયદ,હેમેન્દ્ર કોઠીવાલા,શકીલ અકુજી, નરેન્દ્ર પટેલ સહિત મોટી સંખ્યામાં કાર્યકરો જોડાયા હતા.




