– સતત માનવ વસ્તીથી ધમધમતા વિસ્તારમાં મગર દેખાતા લોકોમાં ભય
– જંગલ ખાતાને જાણ કરતા આખરે મગરનું રેસ્ક્યુ કરી સુરક્ષિત સ્થળે ખસેડવા કવાયત હાથ ધરાઈ
(જ્યશીલ પટેલ, ઝઘડીયા)
ઝઘડિયા તાલુકામાં આવેલા રાજપારડી ગામના મુખ્ય ચાર રસ્તા નજીક અચાનક એક મગર આવી પહોંચતા સ્થાનિક રાહદારીઓ અને રહેવાસીઓમાં અચરજ અને ભયનો માહોલ સર્જાયો હતો. માનવ વસાહતથી સતત ધમધમતા આ મુખ્ય વિસ્તારમાં મગર દેખાવાની વાત વાયુવેગે પ્રસરતાં જ ઘટના સ્થળે લોકોના ટોળેટોળાં એકત્ર થઈ ગયા હતા.
ભરૂચ જીલ્લાના ઝઘડીયા તાલુકાના રાજપારડી ચાર રસ્તા ખાતે આવેલા એક પતરાના ગલ્લા નીચે મગર છુપાયેલી હાલતમાં જોવા મળ્યો હતો.ભરચક બજાર અને લોકોની અવરજવર વાળા વિસ્તારમાં મગરની હાજરીથી સ્થાનિક વેપારીઓ અને રાહદારીઓમાં થોડા સમય માટે અફરાતફરી મચી ગઈ હતી.સ્થાનિક રહીશોએ ભય વચ્ચે પણ સમયસૂચકતા દાખવીને તાત્કાલિક આ અંગે વન વિભાગને જાણ કરી હતી.બનાવની ગંભીરતા સમજીને વન વિભાગની રેસ્ક્યુ ટીમ સાથે ક્ષણભરનો પણ વિલંબ કર્યા વિના જરૂરી સરંજામ સાથે સ્થળ પર દોડી આવી હતી.ઘટના સ્થળે પહોંચેલી વન વિભાગની ટીમે ભારે જહેમત બાદ મગરને કોઈ પણ જાતની ઈજા પહોંચાડ્યા વગર પતરાના ગલ્લા નીચેથી સુરક્ષિત રીતે બહાર કાઢ્યો હતો અને સફળ રેસ્ક્યૂ કર્યું હતું. ત્યાર બાદ મગરને સલામત સ્થળે ખસેડવાની તજવીજ હાથ ધરવામાં આવી હતી.માનવ વસાહતની વચ્ચે મગર આવી ચડવાની આ ઘટનાથી વિસ્તારમાં થોડા સમય માટે ભારે ફાળ પડી હતી.પરંતુ વન વિભાગની સરાહનીય અને ઝડપી કામગીરીને કારણે મગર સુરક્ષિત રીતે પકડાઈ જતાં સ્થાનિકો તેમજ વેપારીઓએ રાહતનો શ્વાસ લીધો હતો.




