– બે દિવસ દરમ્યાન કેસો જે તે સ્ટેજ પર રાખવા તથા કોઈ પણ આરોપીઓ વિરુદ્ધ વોરંટ ન કાઢવા માટે પણ વકીલ મંડળે વિનંતી કરી છે
(જયશીલ પટેલ, ઝઘડીયા)
ગુજરાત સરકાર દ્વારા જૂના રેન્ટ એક્ટના સ્થાને લાવવામાં આવી રહેલા નવા ‘ભાડા વિધેયક બિલ-૨૦૨૬’ સામે રાજ્યભરના ધારાશાસ્ત્રીઓમાં ભારે વિરોધ જોવા મળી રહ્યો છે. જેના ભાગરૂપે ઝઘડિયા વકીલ મંડળ દ્વારા આ બિલનો સખત વિરોધ કરી બે દિવસ માટે કોર્ટ કાર્યવાહીથી અલિપ્ત રહેવાનો સર્વાનુમતે ઠરાવ પસાર કરવામાં આવ્યો છે.
ઝઘડિયા વકીલ મંડળના પ્રમુખ દક્ષેશભાઈ રાંદેરીયાના અધ્યક્ષસ્થાને ૩૦.૯.૨૬ના રોજ એક મહત્વપૂર્ણ બેઠક મળી હતી. જેમાં ચર્ચા કરવામાં આવી હતી કે કાયદાના નિષ્ણાંત ધારાશાસ્ત્રીઓની સલાહ લીધા વિના જ વિધાનસભામાં નવું ભાડા વિધેયક બિલ પસાર કરીને મંજૂરી અર્થે રાજ્યપાલને મોકલી આપવામાં આવ્યું છે.આ નવા બિલમાં અનેક ક્ષતિઓ અને ત્રુટિઓ રહેલી છે.
જૂના રેન્ટ એક્ટ મુજબ મિલકતો અંગેના વિવાદો ચલાવવાની સત્તા સિવિલ કોર્ટ હસ્તક હતી.પરંતુ નવા બિલમાં સિવિલ કોર્ટની આ સત્તાઓ છીનવીને રેવન્યુ મામલતદાર તેમજ કલેક્ટરને સોંપવાની જોગવાઈ કરાઈ છે.આ ફેરફારથી વકીલોના વ્યવસાય રોજગાર પર માઠી અસર થશે એટલું જ નહીં, પ્રજાને પણ પારદર્શક ન્યાય મળવો મુશ્કેલ બનશે.
આ બિલનો તાત્કાલિક ધોરણે અમલ ન થાય અને જરૂરી સુધારા-સંશોધન બાદ જ કાયદો બને તે માટે ગુજરાત બાર એસોસિએશનના ચૂંટાયેલા પ્રતિનિધિઓ દ્વારા આહ્વાન કરવામાં આવ્યું છે.તેના સમર્થનમાં ઝઘડિયા તાલુકા વકીલ મંડળે સખત વિરોધ વ્યક્ત કરીને તા. ૧-૧૦-૨૦૨૬ તથા તા. ૩-૧૦-૨૦૨૬ એમ બે દિવસ પૂરતા કોર્ટની તમામ કામગીરીથી અલિપ્ત રહેવાનો નિર્ણય લીધો છે.આ બે દિવસ દરમિયાન કેસો જે તે સ્ટેજ પર રાખવા તથા કોઈ પણ આરોપીઓ વિરુદ્ધ વોરંટ ન કાઢવા માટે પણ નામદાર અદાલતને વકીલ મંડળ દ્વારા વિનંતી કરવામાં આવી છે.




