– વિદ્યાર્થીઓ દ્વારા વકૃત્વ અને ચિત્ર સ્પર્ધાનું આયોજન કરાયું.
ભરૂચ,
આમોદમાં ગાંધી જયંતિના કાર્યક્રમ અંતર્ગત મિશ્ર શાળા નંબર-૧ દ્વારા વિવિધ શૈક્ષણિક અને સર્જનાત્મક પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવ્યું હતું.ગાંધીજીના વિચારો અને જીવનમૂલ્યો વિદ્યાર્થીઓ સુધી પહોંચે તેમજ સ્વચ્છતા અંગે જાગૃતિ આવે તે હેતુથી શાળાના વિદ્યાર્થીઓ દ્વારા ગાંધી આશ્રમ સુધી રેલી યોજવામાં આવી હતી.
રેલી દરમિયાન વિદ્યાર્થીઓએ ગાંધીજીના વિચારો અને સ્વચ્છતાના સંદેશને લોકો સુધી પહોંચાડ્યો હતો.ગાંધી આશ્રમ ખાતે વિદ્યાર્થીઓ માટે વકૃત્વ સ્પર્ધા અને ચિત્ર સ્પર્ધા યોજવામાં આવી હતી.ચિત્ર સ્પર્ધામાં બાળકોએ સ્વચ્છતા અને સ્વચ્છ ભારતના સંદેશને કેન્દ્રમાં રાખી મનમોહક ચિત્રો દોર્યા હતા અને તેમાં રંગબેરંગી કલર ભરી પોતાની સર્જનાત્મકતાનું પ્રદર્શન કર્યું હતું.
કાર્યક્રમ દરમ્યાન વિદ્યાર્થીઓ દ્વારા ગાંધીજીના જીવનસૂત્રો અને તેમના આદર્શોને પણ રજૂ કરવામાં આવ્યા હતા.ખોટું બોલવું નહીં, ખોટું સાંભળવું નહીં અને ખોટું દેખવું નહીં જેવા સંદેશ દ્વારા વિદ્યાર્થીઓએ સત્ય, સદાચાર અને નૈતિક મૂલ્યોને જીવનમાં અપનાવવાનો સંદેશ આપ્યો હતો.આ ઉપરાંત મિશ્ર શાળા નંબર-૧ ના ધોરણ-૭માં અભ્યાસ કરતા ફૈયાઝ ભાણાએ ‘વિકસિત ભારત-૨૦૪૭’ વિષય પર વક્તવ્ય રજૂ કર્યું હતું.
આ કાર્યક્રમમાં ઝાકીર હુસૈન પટેલ, પરિમલ પટેલ, ઈરફાન મુલ્લા, અફસાના પટેલ, રીઝવાના પટેલ, મહેઝબીન મુકરદમવાલા સહિત શાળાના શિક્ષકોએ ઉપસ્થિત રહી વિદ્યાર્થીઓની વિવિધ શૈક્ષણિક અને સર્જનાત્મક પ્રવૃત્તિઓને પ્રોત્સાહન આપ્યું હતું.
ગાંધી જયંતિના કાર્યક્રમ અંતર્ગત યોજાયેલી આ રેલી અને વિવિધ સ્પર્ધાઓ થકી વિદ્યાર્થીઓમાં રાષ્ટ્રપ્રેમ, સ્વચ્છતા, સત્ય અને નૈતિક મૂલ્યો અંગે જાગૃતિ કેળવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.




