– સંજાલી ગામે બાળકી પર દીપડાના હુમલા બાદ લોકોમાં ભય ફેલાયો:દીપડાઓ દ્વારા અવારનવાર પાલતુ પશુઓ પર પણ હુમલા કરાય છે
(ગુલામહુશેન ખત્રી,રાજપારડી)
ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકામાં છેલ્લા કેટલાક સમયથી વધતા જતા દીપડાના ત્રાસથી લોકો ચિંતિત બન્યા છે. તાલુકાના તલોદરા ગ્રુપ ગ્રામ પંચાયતની હદમાં આવેલા ભરૂચી આંબા ગામેથી આતંક મચાવનાર દીપડો આખરે વનવિભાગે મુકેલ પાંજરે પુરાઈ ગયો છે. ઘરના આંગણા સુધી આવી પહોંચતા દીપડાના કારણે ગ્રામજનોમાં ભારે ફફડાટ વ્યાપેલો હતો, પરંતુ વહેલી સવારે દીપડો કૅચ થઈ જતાં સ્થાનિકોએ સુખદ રાહત અનુભવી છે.
ભરૂચી આંબા ગામમાં દીપડો અવારનવાર માનવ રહેણાંક વિસ્તાર સુધી ધસી આવતો હતો. તાલુકામાં દીપડાઓ દ્વારા ઘરના વાડામાં બાંધેલા પાલતુ પશુઓનું મારણ કરવાના બનાવ પણ બનતા હોય છે.વારંવાર રહેણાંક વિસ્તારમાં દીપડો ધસી આવતા આ ગંભીર પરિસ્થિતિને ધ્યાને રાખીને તલોદરા ગ્રામ પંચાયત દ્વારા જંગલ ખાતાને લેખિતમાં રજૂઆત કરવામાં આવી હતી. ગ્રામજનોની સુરક્ષાને ધ્યાનમાં રાખી વનવિભાગે ત્વરિત કામગીરી હાથ ધરી ત્રણ દિવસ પહેલાં જ ગામ નજીક પાંજરું ગોઠવ્યું હતું.વધુમાં,
ઝઘડિયા વિસ્તારમાં દીપડાનો ભય કેટલો ગંભીર છે તેનો પુરાવો ગત બપોરે મળ્યો હતો, જ્યારે નજીકના સંજાલી ગામે એક ૧૨ વર્ષીય માસૂમ બાળકી પર દીપડાએ હુમલો કર્યો હતો. આ ઘટના બાદ સમગ્ર તાલુકામાં ભય અને ચિંતાનો માહોલ ઘેરો બન્યો હતો.
આજે વહેલી સવારે શિકારની શોધમાં ભટકતો દીપડો વનવિભાગ દ્વારા મૂકવામાં આવેલા પાંજરામાં ગોઠવાઈ ગયેલા શિકારની લાલચે અંદર ઘૂસ્યો હતો અને પાંજરે પુરાઈ ગયો હતો. દીપડો પાંજરે પુરાયાના સમાચાર વાયુવેગે પ્રસરતાં સ્થાનિકો ઘટનાસ્થળે ઉમટી પડ્યા હતા. વનવિભાગની ટીમે તાત્કાલિક સ્થળ પર પહોંચી દીપડાનો કબજો મેળવ્યો હતો અને તેને કોઈ સુરક્ષિત તથા ઊંડા જંગલ વિસ્તારમાં છોડવાની તજવીજ હાથ ધરી હતી.
ઉલ્લેખનીય છે કે, ઝઘડિયા તાલુકામાં વિપુલ પ્રમાણમાં આવેલા શેરડીના ખેતરો દીપડાઓ માટે સલામત આશ્રયસ્થાન બની ગયા છે. છેલ્લા કેટલાક સમયથી તાલુકામાં દીપડાઓની વસતિમાં સતત વધારો નોંધાઈ રહ્યો છે, જેના કારણે દીપડાઓ અવારનવાર શિકારની શોધમાં માનવ વસાહતો તરફ ધસી આવે છે.ઘરના વાડામાં ઘૂસી પશુઓનું મારણ કરવું અને માનવો પર હુમલા કરવા જેવી ઘટનાઓ વધતાં સમગ્ર ઝઘડિયા પંથકમાં ભારે ચિંતા વ્યાપી છે.ગ્રામજનોએ માંગ કરી છે કે વનવિભાગ આ વિસ્તારમાં સતત પેટ્રોલિંગ ચાલુ રાખે જેથી ભવિષ્યમાં આવી ઘટનાઓ રોકી શકાય.




