જંબુસર BAPS મંદિરે પ્રગટ ગુરુહરી પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજના ૯૩મા જન્મોત્સવની ભવ્ય ઉજવણી

SHARE:

(સંજય પટેલ,જંબુસર)

જંબુસર સ્થિત BAPS સ્વામિનારાયણ મંદિરે પ્રગટ ગુરુહરી પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજના ૯૩મા જન્મોત્સવની ભવ્ય અને ભક્તિમય ઉજવણી કરવામાં આવી હતી. પૂજ્ય જ્ઞાનવીર સ્વામી તથા પૂજ્ય યશોનિલય સ્વામીની રાહબરી હેઠળ આયોજિત આ પ્રસંગે મોટી સંખ્યામાં હરિભક્તો, સત્સંગી ભાઈ-બહેનો તથા સત્સંગ મંડળના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.

જન્મોત્સવ પ્રસંગે બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજની ૩૫ વર્ષ સુધી અંગત સેવા કરનાર તેમજ પાંચ વર્ષના સમયગાળામાં ૩૦થી વધુ દેશોમાં સત્સંગ પારાયણનો લાભ આપનાર પૂજ્ય નારાયણચરણ સ્વામીએ પોતાની અમૃતવાણી દ્વારા ઉપસ્થિત હરિભક્તોને કથા-વાર્તાનો લાભ કરાવ્યો હતો.

પૂજ્ય નારાયણચરણ સ્વામીએ મહંત સ્વામી મહારાજના જીવનચરિત્ર, સાધુજીવન, ગુરુભક્તિ અને સત્સંગ પ્રત્યેની અખંડ નિષ્ઠા અંગે વિસ્તૃત વાત કરી હતી. તેમણે મહંત સ્વામી મહારાજના જન્મદિનના પ્રસંગનું આધ્યાત્મિક મહત્વ સમજાવતા જણાવ્યું હતું કે ભગવાન સ્વામિનારાયણ અનંત જીવોના કલ્યાણ માટે પૃથ્વી પર પ્રગટ થયા હતા અને ભગવાન તથા પ્રગટ સંતનો સત્સંગ મળવો એ જીવ માટે પરમ સૌભાગ્યની વાત છે.

કથામાં તેમણે કારિયાણી-૬ના પ્રસંગનો ઉલ્લેખ કરી એકાંતિક ધર્મની મહત્તા સમજાવી હતી. BAPSના સિદ્ધાંતો તથા ગુરુપરંપરાની વાત કરતાં તેમણે જણાવ્યું હતું કે બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ સામાન્ય વ્યક્તિ નહોતા, પરંતુ સત્સંગ અને સમાજના કલ્યાણ માટે પોતાનું સમગ્ર જીવન સમર્પિત કરનાર ઓલિયા પુરુષ હતા. ભગવાન સ્વામિનારાયણના વરદાનરૂપ સંતોના જીવન અને કાર્યને વિવિધ પ્રસંગો સાથે સરળ ભાષામાં સમજાવવામાં આવ્યું હતું.

જંબુસરની પવિત્ર ભૂમિનું મહાત્મ્ય વર્ણવતા પૂજ્ય સ્વામીએ જણાવ્યું હતું કે જંબુસરવાસીઓ ભાગ્યશાળી છે કે આ ભૂમિ પર શાસ્ત્રીજી મહારાજ, યોગીજી મહારાજ, પ્રમુખસ્વામી મહારાજ અને મહંત સ્વામી મહારાજ જેવા મહાન સંતોના પધરામણાં થયાં છે. તેમણે જણાવ્યું હતું કે આજે સમગ્ર વિશ્વમાં મહંત સ્વામી મહારાજ અદ્વિતીય રીતે સત્સંગ અને આધ્યાત્મિક કાર્યોને આગળ ધપાવી રહ્યા છે.

આ પ્રસંગે પ્રમુખસ્વામી મહારાજ સાથે જોડાયેલી વિવિધ સ્મૃતિઓનું પણ સ્મરણ કરવામાં આવ્યું હતું. પ્રમુખસ્વામી મહારાજની અંગત સેવા, તેમની નિષ્ઠા, કરુણા, સાદગી અને સર્વજીવ પ્રત્યેના પ્રેમના પ્રસંગો રજૂ કરી મહંત સ્વામી મહારાજમાં પણ પ્રમુખસ્વામી મહારાજના અનેક ગુણોનું દર્શન થતું હોવાની વાત કરવામાં આવી હતી. ડૉક્ટર સ્વામી, ઘનશ્યામપ્રકાશ સ્વામી, સંત સ્વામી સહિતના સંતોના સેવાકાર્યોને પણ યાદ કરવામાં આવ્યા હતા.

મહંત સ્વામી મહારાજની વિચક્ષણ બુદ્ધિ, વિનમ્રતા, ગુરુભક્તિ અને સતત પોતાના ગુરુ પ્રમુખસ્વામી મહારાજને આગળ રાખવાની ભાવનાને વિવિધ પ્રસંગો દ્વારા સમજાવવામાં આવી હતી.મહંત સ્વામી મહારાજની આજ્ઞાનું પાલન અને તેમના આશીર્વાદથી હરિભક્તોના જીવનમાં સુખ, શાંતિ અને આધ્યાત્મિક પ્રગતિનો માર્ગ પ્રસસ્ત થતો હોવાનો સંદેશ આપવામાં આવ્યો હતો.

જન્મોત્સવ પ્રસંગે મહંત સ્વામી મહારાજના જીવન અને કાર્યોને લગતા ફોટોગ્રાફ્સ તથા વીડિયો દ્વારા હરિભક્તોને દર્શન અને માહિતીનો લાભ કરાવવામાં આવ્યો હતો.પ્રમુખસ્વામી મહારાજનું વિરલ વ્યક્તિત્વ આજે મહંત સ્વામી મહારાજમાં જોવા મળે છે તેમ જણાવી,મહંત સ્વામી મહારાજ ગુણોના સાગર સમાન છે અને તેમનું જીવન સૌ માટે પ્રેરણારૂપ છે તેવો ભાવ વ્યક્ત કરવામાં આવ્યો હતો.

પ્રવચન દરમ્યાન સર્વજીવ પ્રત્યે પ્રેમ અને કરુણાની ભાવનાનો પણ સંદેશ આપવામાં આવ્યો હતો.પશુ-પક્ષીઓ પ્રત્યે પ્રમુખસ્વામી મહારાજના પ્રેમ અને જીવદયાના પ્રસંગોનું સ્મરણ કરાવવામાં આવ્યું હતું. સાથે જ જીવનના અંતિમ શ્વાસ સુધી ગુરુ પ્રત્યેની રાજીપાની ભાવના જળવાઈ રહે અને ગુરુની સ્મૃતિ અંતરમાં અખંડ રહે તેવી પ્રાર્થનાત્મક ભાવના વ્યક્ત કરવામાં આવી હતી.

આ સમગ્ર જન્મોત્સવ કાર્યક્રમ દરમ્યાન ભક્તિમય વાતાવરણ છવાયું હતું.સત્સંગ મંડળના અગ્રણીઓ બિપીનભાઈ પટેલ, રાજુભાઈ પટેલ, પ્રતાપભાઈ સોની,પ્રદીપભાઈ સહિત મોટી સંખ્યામાં સત્સંગી ભાઈ-બહેનો ઉપસ્થિત રહી કથા-વાર્તાનો લાભ લીધો હતો.સમગ્ર કાર્યક્રમ શ્રદ્ધા, ભક્તિ અને ગુરુમહિમાના ભાવ સાથે સંપન્ન થયો હતો.

BNI News
Author: BNI News

Leave a Comment

सबसे ज्यादा पड़ गई
error: Content is protected !!