ભરૂચ જિલ્લાના મહેસૂલી કર્મચારીઓ એ પોતાના પડતર પ્રશ્નો અને ન્યાયની માંગ સાથે માસ સીએલ રાખી વિરોધ નોંધાવ્યો

SHARE:

– ઉકેલ નહીં લાવવામાં આવે તો 7 ઓક્ટોબરથી રાજ્યભરના મહેસૂલી કર્મચારીઓ અચોક્કસ મુદ્દતની હડતાળ પર ઉતરશે

ભરૂચ,

ગુજરાત રાજ્ય મહેસૂલી કર્મચારી મંડળના આદેશ અનુસાર ભરૂચ જિલ્લાના મહેસૂલી કર્મચારીઓ એ પોતાના પડતર પ્રશ્નો અને હક્ક-ન્યાયની માંગ સાથે માસ સીએલ રાખી વિરોધ નોંધાવ્યો હતો. કર્મચારીઓએ એકત્ર થઈ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી વિવિધ સેવાકીય અને વહીવટી પ્રશ્નોનો તાકીદે ઉકેલ લાવવા રજૂઆત કરી હતી.

મહેસૂલી કર્મચારીઓના જણાવ્યા મુજબ અગાઉ પણ પડતર માંગણીઓના નિરાકરણ માટે આંદોલન અને હડતાળનું એલાન આપવામાં આવ્યું હતું. તે સમયે મહેસૂલ વિભાગ અને સરકાર દ્વારા એક મહિનામાં પ્રશ્નોનું નિરાકરણ લાવવાની ખાતરી આપવામાં આવતા આંદોલન મુલતવી રાખવામાં આવ્યું હતું.જોકે 30 તારીખે એક મહિનો પૂર્ણ થવા છતાં કોઈ નક્કર ઉકેલ નહીં આવતા ફરી વિરોધનો માર્ગ અપનાવવો પડ્યો હોવાનો કર્મચારીઓએ આક્ષેપ કર્યો હતો.

ભરૂચ મહેસૂલી મંડળના પ્રમુખ અને ગુજરાત રાજ્ય હડતાલ કમિટીના સભ્ય વિપુલ સરોઠિયાએ જણાવ્યું હતું કે,રેવન્યુ તલાટીઓ પર સતત કામનું ભારણ વધી રહ્યું છે. રાજ્યના આશરે 18 હજાર ગામડાં સામે માત્ર 4,042 જેટલું મહેકમ કાર્યરત હોવાથી તલાટીઓ પર કામનું ભારણ અસહ્ય બન્યું છે.નવા જોબચાર્ટમાં અન્ય વિભાગો ની કામગીરી પણ સોંપાતા કર્મચારીઓમાં અસંતોષ છે.આ ઉપરાંત 2012ની બેચના નાયબ મામલતદારોને 14 વર્ષની સેવા પૂર્ણ થયા બાદ પણ સિનિયોરિટી અને પ્રમોશનના મામલે અન્યાય થતો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. જ્યારે 2015ની બેચના ક્લાર્કોને નાયબ મામલતદાર તરીકે પ્રમોશન બાદ ગૃહ જિલ્લાથી 400થી 500 કિલોમીટર દૂર બદલી કરાતા પણ કર્મચારીઓમાં રોષ જોવા મળી રહ્યો છે.

મહેસૂલી કર્મચારી મંડળે ચીમકી ઉચ્ચારી છે કે, સરકાર દ્વારા કર્મચારીઓના પડતર સેવાકીય અને વહીવટી પ્રશ્નોનો તાત્કાલિક ઉકેલ નહીં લાવવામાં આવે તો 7 ઓક્ટોબરથી રાજ્યભરના મહેસૂલી કર્મચારીઓ અચોક્કસ મુદ્દતની હડતાળ પર ઉતરશે.

BNI News
Author: BNI News

Leave a Comment

सबसे ज्यादा पड़ गई
error: Content is protected !!