આમોદની વલીપોર પ્રાથમિક મિશ્ર શાળામાં બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન યોજાયું

SHARE:

– ૧૧ શાળાના ૫૮ બાળ વૈજ્ઞાનિકોએ પાંચ વિભાગમાં કુલ ૨૯ કૃતિઓ રજૂ કરી

ભરૂચ,

આમોદ તાલુકાની વલીપોર પ્રાથમિક મિશ્ર શાળા ખાતે બાળ વૈજ્ઞાનિક પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું.બાળ વૈજ્ઞાનિકોમાં રહેલી સર્જનાત્મકતા, વૈજ્ઞાનિક દૃષ્ટિકોણ અને નવીન વિચારશક્તિને પ્રોત્સાહન આપવાના હેતુથી યોજાયેલા આ મેળામાં આસપાસની વિવિધ શાળાઓના વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.

કાર્યક્રમની શરૂઆત દેણવા ગામના કુંતેશ્વર મહાદેવ મંદિરના મહંત લક્ષ્મણદાસજી બાપુના વરદ હસ્તે દીપ પ્રાગટ્ય કરીને કરવામાં આવી હતી.લક્ષ્મણદાસજી બાપુની વિશેષ ઉપસ્થિતિથી બાળ વૈજ્ઞાનિકો તેમજ શિક્ષકોમાં ઉત્સાહ જોવા મળ્યો હતો.એસ.એમ.સી. કમિટીના સભ્યો દ્વારા રીબીન કાપીને બાળ વૈજ્ઞાનિક મેળાનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું.

વલીપોર પ્રાથમિક શાળા ખાતે યોજાયેલા આ બાળ વૈજ્ઞાનિક મેળામાં ૧૧ શાળાના કુલ ૫૮ બાળકોએ પાંચ વિભાગમાં ૨૯ જેટલી વિવિધ કૃતિઓ રજૂ કરી હતી.વિદ્યાર્થીઓએ પોતાની કૃતિઓ અંગે મહેમાનો અને ઉપસ્થિત ગ્રામજનોને માહિતી આપી હતી.વિવિધ વૈજ્ઞાનિક વિચારો અને પ્રયોગો આધારિત કૃતિઓને નિહાળી મહેમાનો તથા ગ્રામજનોએ બાળ વૈજ્ઞાનિકોને પ્રોત્સાહિત કર્યા હતા.

બાળ વૈજ્ઞાનિકોની કૃતિઓનું મૂલ્યાંકન કરવા માટે મછાસરા હાઈસ્કૂલના જાવેદ એમ. પટેલ, સરભાણ હાઈસ્કૂલના પ્રજ્ઞેશ પટેલ તથા આછોદ હાઈસ્કૂલના ફહીમા પટેલે નિરીક્ષક તરીકે સેવા આપી વિદ્યાર્થીઓની કૃતિઓનું અવલોકન કરી તેમના વૈજ્ઞાનિક અભિગમ, રજૂઆત અને નવીનતાના આધારે મૂલ્યાંકન કર્યું હતું.આ પ્રસંગે લક્ષ્મણદાસજી બાપુએ વલીપોર પ્રાથમિક શાળાની સુંદર કામગીરીથી પ્રભાવિત થઈ તેમણે શાળાને રૂ.૨૧૦૦ નું દાન અર્પણ કર્યું હતું.કાર્યક્રમમાં સરપંચ જશવંતસિંહ પરમાર, સી.આર.સી. કો-ઓર્ડિનેટર ઇમરાન પટેલ, આચાર્ય ઐયુબ યુસુફ પટેલ, શાળાના શિક્ષકગણ, એસ.એમ.સી. કમિટીના સભ્યો તેમજ ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

ઉપસ્થિત મહેમાનો અને ગ્રામજનોએ બાળ વૈજ્ઞાનિકોની વિવિધ કૃતિઓ નિહાળી તેમના પ્રયાસોને બિરદાવ્યા હતા.બાળ વૈજ્ઞાનિક મેળાથી વિદ્યાર્થીઓમાં વિજ્ઞાન પ્રત્યે રસ કેળવવા અને નવીન પ્રયોગો કરવા માટે પ્રેરણા મળી હતી.

BNI News
Author: BNI News

Leave a Comment

सबसे ज्यादा पड़ गई
error: Content is protected !!