અંકલેશ્વરના નોબલ માર્કેટમાં ભંગારના ગોડાઉનમાં ભયંકર આગ

SHARE:

– ફાયર વિભાગે કાબૂ મેળવવાના પ્રયાસો હાથ ધર્યા : આગ લાગવાનું કારણ અકબંધ : મામલતદાર અને GPCBની ટીમે સ્થળ પર પહોંચી તપાસ હાથધરી

ભરૂચ,

અંકલેશ્વરના નોબલ માર્કેટ વિસ્તારમાં આવેલા એક ભંગારના ગોડાઉનમાં આગ લાગવાની ઘટના સામે આવી છે.ગોડાઉનમાં આગ લાગતાં આસપાસના વિસ્તારમાં દોડધામ મચી ગઈ હતી. ગોડાઉનમાં પ્લાસ્ટિક અને લોખંડના ભંગાર સહિત ડ્રમનો જથ્થો રાખવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે.

ઘટનાની જાણ થતાં જ ફાયર વિભાગના જવાનો તાત્કાલિક સ્થળ પર દોડી ગયા હતા અને આગ પર કાબૂ મેળવવા માટે પ્રયાસો હાથ ધર્યા હતા.જોકે, આગ કયા કારણોસર લાગી તે અંગે હજુ સુધી સ્પષ્ટતા થઈ નથી. આગ લાગવાનું ચોક્કસ કારણ જાણવા માટે તપાસના પ્રયાસો ચાલુ છે.બીજી તરફ ઘટનાની જાણ થતાં મામલતદાર રાજન વસાવા તેમજ ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ (GPCB)ની ટીમ પણ ઘટનાસ્થળે પહોંચી હતી. ટીમ દ્વારા સમગ્ર ઘટનાની માહિતી એકત્રિત કરવામાં આવી હતી અને ગોડાઉનમાં સંગ્રહિત ભંગારના જથ્થા અંગે જરૂરી વિગતો મેળવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી.

ભંગારના ગોડાઉનમાં લાગેલી આગને પગલે પર્યાવરણ અને સલામતીને લઈને પણ સવાલો ઊભા થયા છે.હવે આ મામલે GPCB તથા વહીવટી તંત્ર દ્વારા આગ લાગવાનું કારણ શોધી, ગોડાઉનમાં સંગ્રહિત સામગ્રી અને સલામતીનાં ધોરણો અંગે તપાસ કરવામાં આવે તેમજ નિયમોનો ભંગ જણાય તો યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ ઊઠી છે.

હાલ આગ લાગવાનું કારણ અકબંધ છે અને તપાસ બાદ જ સમગ્ર ઘટનાની હકીકત બહાર આવશે.

BNI News
Author: BNI News

Leave a Comment

सबसे ज्यादा पड़ गई
error: Content is protected !!