– વીડિયો વાયરલ થતાં ખળભળાટ! : રસોડાની સ્વચ્છતા અને ખાદ્ય સુરક્ષા સામે ગંભીર સવાલો
– ફૂડ સેફ્ટી વિભાગ સ્થળ તપાસ કરી જવાબદારો સામે કાર્યવાહી કરે તેવી માંગ
ભરૂચ,
વાગરા તાલુકાના દહેજ વિસ્તારમાં આવેલી આશીર્વાદ હોટલમાં જમવાની થાળીમાં વાળ નીકળ્યાનો આક્ષેપ સામે આવતાં હોટલની સ્વચ્છતા અને ખાદ્ય સુરક્ષાને લઈને સવાલો ઊભા થયા છે.વાગરા તાલુકાના લખી ગામના મિત્રોનું એક ગ્રુપ હોટલમાં ભોજન લેવા પહોંચ્યું હતું.જોકે જમતી વખતે ભોજનની ડિશમાં વાળ જોવા મળતાં ગ્રાહકોમાં નારાજગી ફેલાઈ હતી. ગ્રાહક દ્વારા ઘટનાનો વીડિયો ઉતારી સોશ્યલ મીડિયામાં વાયરલ કરવામાં આવતાં સમગ્ર મામલો ચર્ચાનું કેન્દ્ર બન્યો છે.ગ્રાહકોના આક્ષેપ મુજબ, ભોજનમાં વાળ જોવા મળતાં તેમણે હોટલની સ્વચ્છતા અંગે સવાલો ઉઠાવ્યા હતા.આ દરમ્યાન વીડિયો ઉતારવાનો પ્રયાસ કરતાં હોટલના માલિક અને કર્મચારીઓએ વીડિયો ન ઉતારવા જણાવ્યું હોવાનો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે.જોકે આક્ષેપોની સત્યતા અને હોટલ સંચાલકોનો સત્તાવાર પક્ષ હજુ સ્પષ્ટ થવો જરૂરી છે.હોટલમાં ગ્રાહકોને સ્વચ્છ અને સુરક્ષિત ભોજન પીરસવું સંચાલકોની મહત્ત્વપૂર્ણ જવાબદારી છે.રસોઈ બનાવવાની જગ્યાની સ્વચ્છતા, ખાદ્ય પદાર્થોનો સુરક્ષિત સંગ્રહ અને કર્મચારીઓની વ્યક્તિગત સ્વચ્છતા જાળવવી અનિવાર્ય છે.
રસોઈ બનાવતા અને ભોજન પીરસતા કર્મચારીઓ હેર કવર સહિતનાં જરૂરી સ્વચ્છતાનાં સાધનોનો ઉપયોગ કરે છે કે નહીં, તેની પણ તપાસ થવી જોઈએ.જો ગ્રાહકની થાળીમાં ખરેખર વાળ નીકળ્યા હોય, તો તેને સામાન્ય બાબત ગણીને અવગણી શકાય નહીં. આ ઘટનાને પગલે સંબંધિત ફૂડ સેફ્ટી વિભાગની કામગીરી સામે પણ સવાલો ઊભા થયા છે. વિભાગ દ્વારા આશીર્વાદ હોટલના રસોડા, ભોજન તૈયાર કરવાની પદ્ધતિ અને સ્વચ્છતાની વ્યવસ્થાની સ્થળ તપાસ કરવામાં આવે તેવી માંગ ઊઠી છે.તપાસમાં કોઈ નિયમભંગ સામે આવે તો લાગુ પડતા કાયદા મુજબ જવાબદારો સામે કાર્યવાહી થવી જોઈએ. દહેજ જેવા ઔદ્યોગિક વિસ્તારમાં મોટી સંખ્યામાં લોકો હોટલોમાં ભોજન લેતા હોય છે, ત્યારે ખાદ્ય સુરક્ષાના નિયમોનું પાલન અત્યંત જરૂરી છે. હવે જોવાનું એ રહેશે કે તંત્ર વાયરલ વીડિયોને ગંભીરતાથી લઈને નિષ્પક્ષ તપાસ કરે છે કે નહીં. ગ્રાહકોના આરોગ્ય સાથે જોડાયેલા આ મુદ્દે તંત્રએ હકીકત સ્પષ્ટ કરી સ્વચ્છ અને સુરક્ષિત ભોજનના અધિકારનું રક્ષણ કરવું જોઈએ.




