– વાલીએ ઉઠાવ્યા સુરક્ષાના સવાલો,પ્રિન્સિપાલે અભિયાનનો આપ્યો હવાલો!
ભરૂચ,
વાગરા નગરમાં આવેલી વાંટા મિશ્ર શાળામાં બાળકો પાસે સફાઈ કરાવવામાં આવતી હોવાના આક્ષેપોને પગલે વિવાદ ઊભો થયો છે.વાલીઓ દ્વારા રજૂ કરાયેલા વીડિયોમાં બાળકો હાથમાં સાવરણી લઈને કચરો વાળતા દેખાતા હોવાનો દાવો કરવામાં આવ્યો છે.આ મામલે વાલી આસિફ શેખે શાળાના પ્રિન્સિપાલ મહેમુદાબેન અને સ્ટાફની કામગીરી સામે સવાલો ઉઠાવ્યા છે. વાલી આસિફ શેખના આક્ષેપ મુજબ બાળકો પાસે કચરો વળાવીને તેને શાળાની બહાર ચાલુ રસ્તા પર નાખવા માટે મોકલવામાં આવે છે.તેમણે સવાલ કર્યો છે કે રસ્તા પર જતી વખતે કોઈ બાળક અકસ્માતનો ભોગ બને અથવા અનિચ્છનીય ઘટના બને તો તેની જવાબદારી કોણ લેશે?બાળકોની સુરક્ષાની જવાબદારી શાળા તંત્રની છે કે નહીં,તે મુદ્દે તેમણે જવાબ માગ્યો છે.આ ઉપરાંત વાલીએ આક્ષેપ કર્યો છે કે અગાઉના પ્રિન્સિપાલના સમયમાં બાળકોને જમવા માટે પાઠણીયા પર વ્યવસ્થિત બેસાડવામાં આવતા હતા.જ્યારે વર્તમાન પ્રિન્સિપાલ આવ્યા બાદ આવી વ્યવસ્થા અંગે અસંતોષ છે. જોકે, આ આક્ષેપોની વાસ્તવિકતા તપાસ બાદ જ સ્પષ્ટ થઈ શકશે.
તો બીજી તરફ પ્રિન્સિપાલ મહેમુદાબેને પોતાનો પક્ષ રજૂ કરતાં જણાવ્યું હતું કે શાળામાં સફાઈની કામગીરી સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત સ્વચ્છતા સેવા યોગદાન કાર્યક્રમના ભાગરૂપે કરવામાં આવી હતી.તેમના જણાવ્યા મુજબ સફાઈ માટે ટીમ બનાવી કામગીરી કરવાની, પત્રક-બી તથા શિક્ષણ સાગરના સત્તાવાર ગ્રુપમાં ફોટા મૂકવાના અને વડી કચેરીને અહેવાલ મોકલવાના હોય છે.તેમણે આ પ્રવૃત્તિને શિક્ષણનો એક ભાગ ગણાવ્યો હતો. ભોજન વ્યવસ્થા અંગે પ્રિન્સિપાલે જણાવ્યું હતું કે સરકાર તરફથી આ માટે અલગ ખર્ચ મળતો નથી.જોકે નીચેની જગ્યા યોગ્ય રીતે સાફ કર્યા બાદ જ બાળકોને બેસાડવામાં આવે છે.તેમણે વધુમાં આક્ષેપ કર્યો હતો કે તેમને અને શાળાને બદનામ કરવાનું કાવતરું થઈ રહ્યું છે.હવે સવાલ એ છે કે સ્વચ્છતા અભિયાનની અમલવારી દરમિયાન બાળકોની સુરક્ષાનું પૂરતું ધ્યાન રાખવામાં આવ્યું હતું કે નહીં?શિક્ષણ વિભાગે વીડિયોની તપાસ કરી,શાળાની મુલાકાત લઈને સફાઈની કામગીરી અને ભોજન વ્યવસ્થાની હકીકત બહાર લાવવી જોઈએ.આક્ષેપો સાચા સાબિત થાય તો નિયમ મુજબ કાર્યવાહી થવી જોઈએ, જ્યારે ખોટા સાબિત થાય તો તે પણ સ્પષ્ટ થવું જોઈએ.અંતે મુદ્દો આક્ષેપો કે બચાવનો નહીં,પરંતુ બાળકોની સુરક્ષા,સન્માન અને સુવિધાનો છે.હવે શિક્ષણ વિભાગની નિષ્પક્ષ તપાસ જ સમગ્ર મામલાની સાચી હકીકત બહાર લાવી શકશે.




