– 2288 તબીબી સંસ્થાઓ માંથી અત્યાર સુધીમાં 1193 સંસ્થાઓએ સર્ટિફિકેટ મેળવ્યા
– 31 ઓક્ટોબર સુધીમાં ફરજિયાત રજિસ્ટ્રેશન કરાવી લેવા તાકીદ
ભરૂચ,
ભરૂચ જિલ્લામાં ક્લિનિકલ એસ્ટાબ્લિશમેન્ટ એક્ટનું પાલન કરાવવા આરોગ્ય તંત્ર સક્રિય બન્યું છે.જિલ્લાના કુલ 2288 તબીબી સંસ્થાઓ માંથી અત્યાર સુધીમાં 1193 સંસ્થાઓએ સર્ટિફિકેટ મેળવ્યાં છે, જ્યારે બાકીની સંસ્થાઓમાં રજિસ્ટ્રેશન પ્રક્રિયા પૂર્ણ કરાવવાની કામગીરી સામે પડકાર છે.આ સ્થિતિમાં ભરૂચ સિવિલ હોસ્પિટલના સિવિલ સર્જન ડૉ.વી.આર. ઉપાધ્યાયે તમામ તબીબો, ક્લિનિકો,હોસ્પિટલો અને લેબોરેટરીઓને 31 ઓક્ટોબર સુધીમાં ફરજિયાત રજિસ્ટ્રેશન કરાવી લેવા તાકીદ કરી છે.
સિવિલ સર્જનના જણાવ્યા મુજબ,ધ ગુજરાત ક્લિનિકલ એસ્ટાબ્લિશમેન્ટ (રજિસ્ટ્રેશન એન્ડ રેગ્યુલેશન) એક્ટ-2021 હેઠળ એલોપેથિક,આયુર્વેદિક, હોમિયોપેથિક સહિતની વિવિધ પદ્ધતિઓના તબીબો, જનરલ પ્રેક્ટિશનરો, સુપર સ્પેશિયાલિસ્ટ તબીબો, મલ્ટિસ્પેશિયાલિટી હોસ્પિટલો, પેથોલોજી લેબોરેટરીઓ તેમજ લાગુ પડતી સરકારી તબીબી સંસ્થાઓએ નિયમ મુજબ રજિસ્ટ્રેશન કરાવવું અનિવાર્ય છે.ભરૂચ જિલ્લાની 2288 સંસ્થાઓમાંથી 1193 સંસ્થાઓએ સર્ટિફિકેટ મેળવ્યાં છે.જ્યારે હજી અનેક સંસ્થાઓએ હજુ આ પ્રક્રિયા પૂર્ણ કરવાની બાકી રહે છે. રાજ્ય સરકારના અગ્ર સચિવ અને ભરૂચ જિલ્લા કલેક્ટર દ્વારા પણ કાયદાના અમલીકરણ અંગે કડક સૂચનાઓ આપવામાં આવી છે.31 ઓક્ટોબર સુધીમાં રજિસ્ટ્રેશન નહીં કરાવનાર અને આરોગ્ય વિભાગની તપાસ દરમિયાન અનરજિસ્ટર્ડ જણાતી સંસ્થાઓ સામે કાયદાની જોગવાઈઓ મુજબ દંડાત્મક તથા અન્ય કાનૂની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.
તબીબો અને સંસ્થાના સંચાલકો છેલ્લી ઘડીની રાહ જોયા વિના સરકારના ઓનલાઈન પોર્ટલ clinicalestablishment.gipl.in પર રજિસ્ટ્રેશન પ્રક્રિયા પૂર્ણ કરી શકે છે. વધુ માહિતી અને માર્ગદર્શન માટે ભરૂચ સિવિલ હોસ્પિટલનો સંપર્ક કરવા પણ જણાવાયું છે.




