એકતાનગરમાં સર્જાશે રોશનીનો જાદુઈ મહોત્સવ: ‘એકતા પ્રકાશ પર્વ-૨૦૨૬’માં ભારતની સંસ્કૃતિથી આધુનિક વિકાસ સુધીની ભવ્ય ઝાંખી

SHARE:

– ત્રણ મહિના ચાલશે પ્રકાશોત્સવ : ૭.૬ કિલોમીટરના વિસ્તારમાં કલાત્મક થીમ આધારિત લાઈટિંગ બનશે પ્રવાસીઓ માટે વિશેષ આકર્ષણ

– ઈન્ડોર વિભાગમાં ઉત્તર, પૂર્વ, પશ્ચિમ અને દક્ષિણ ભારતની સંસ્કૃતિ, પરંપરા, કલા અને સ્થાપત્યનો અનોખો સંગમ

આઉટડોર વિભાગના ૧૧ મુખ્ય સેક્શનમાં રાષ્ટ્રીય ગૌરવ, મહિલા સશક્તિકરણ, આધુનિક ભારત, સુરક્ષા દળો, અવકાશ, ટેકનોલોજી, યોગ અને બાળકો માટેના આકર્ષણો

– દીપ સુરંગ, પ્રકાશિત પુષ્પો, રંગબેરંગી ફુગ્ગાઓ અને થીમ આધારિત પ્રકાશ સજાવટ પ્રવાસીઓને કરાવશે અનોખી અનુભૂતિ

– ગત વર્ષની સફળતા બાદ આ વર્ષે ત્રણ મહિના સુધી ઉજવાશે ‘એકતા પ્રકાશ પર્વ’; સરદાર સરોવર ડેમનો ડાયનેમિક લાઈટ એન્ડ સાઉન્ડ શો પણ બનશે આકર્ષણ

(જ્યોતિ જગતાપ,રાજપીપલા)

ભારતની સાંસ્કૃતિક વિવિધતા, સમૃદ્ધ વારસો, રાષ્ટ્રીય ગૌરવ અને આધુનિક વિકાસને રોશનીની કલાત્મક અભિવ્યક્તિમાં નિહાળવાની અનોખી તક એટલે ‘એકતા પ્રકાશ પર્વ-૨૦૨૬’. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના ડ્રીમ પ્રોજેક્ટ તરીકે વિશ્વભરમાં ખ્યાતિ પામેલા સ્ટેચ્યુ ઓફ યુનિટી, એકતાનગર ખાતે ગત વર્ષે પ્રથમવાર યોજાયેલા એકતા પ્રકાશ પર્વને મળેલા અદ્ભુત પ્રતિસાદને પગલે આ વર્ષે ૧૭ ઓક્ટોબર, ૨૦૨૬થી ૧૫ જાન્યુઆરી, ૨૦૨૭ સુધી ત્રણ મહિના માટે ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે.રાષ્ટ્રીય એકતા દિવસ, ભારત પર્વ અને દીપોત્સવીના ઉત્સવી માહોલને વધુ યાદગાર બનાવવાના હેતુથી આયોજિત આ પ્રકાશોત્સવમાં આશરે ૭.૬ કિલોમીટરના વિસ્તારમાં કલાત્મક અને થીમ આધારિત લાઈટિંગ દ્વારા એકતાનગરને અનોખું સ્વરૂપ આપવામાં આવશે. ભારતના વિવિધ પ્રદેશોની સાંસ્કૃતિક ઓળખથી લઈને રાષ્ટ્રીય સુરક્ષા, મહિલા સશક્તિકરણ, આધુનિક ટેકનોલોજી, અવકાશ વિજ્ઞાન અને બાળકોની કલ્પનાશક્તિને આકર્ષે તેવા દૃશ્યાત્મક અનુભવો સુધીની વિશાળ શ્રેણી આ પર્વમાં જોવા મળશે.એક તરફ ભારતના ભવ્ય વારસાની ઝાંખી, તો બીજી તરફ પ્રગતિશીલ ભારતની ઓળખ : ‘એકતા પ્રકાશ પર્વ-૨૦૨૬’ પ્રવાસીઓને પ્રકાશ, કલા અને સંસ્કૃતિની અનોખી સફરે લઈ જશે.એકતા પ્રકાશ પર્વ-૨૦૨૬ને મુખ્યત્વે બે વિભાગમાં વિભાજિત કરવામાં આવ્યો છેઃ ઇન્ડોર અને આઉટડોર. ઇન્ડોર વિભાગમાં ભારતના ચાર મુખ્ય પ્રાદેશિક ઝોન દ્વારા દેશની વૈવિધ્યસભર સંસ્કૃતિ, જીવનશૈલી, સ્થાપત્ય, લોકકલા અને પરંપરાઓને રજૂ કરવામાં આવશે. જ્યારે વિશાળ આઉટડોર વિભાગના ૧૧ મુખ્ય સેક્શનમાં રાષ્ટ્રીય ગૌરવથી લઈને ભવિષ્યની ટેકનોલોજી અને બાળકો માટેના વિશેષ આકર્ષણો સુધીના વિષયોને કલાત્મક પ્રકાશ સજાવટ દ્વારા જીવંત બનાવવામાં આવશે.

 

BNI News
Author: BNI News

Leave a Comment

सबसे ज्यादा पड़ गई
error: Content is protected !!