ભરૂચના કચરાના સ્પોટને મિની ગ્રીન પાર્ક અને જાહેર સુવિધાઓમાં વિકસાવવા કોંગ્રેસી નગર સેવકોની રજૂઆત

SHARE:

– ડોર ટુ ડોર કચરા કલેક્શન સેવા નિયમિત અને સમયસર કરવા તેમજ કચરાના સ્થળોનું કાયમી સૌંદર્યીકરણ કરવાની માંગ

– નિયમિત અને સમયસર ડોર ટુ ડોર એજન્સી કામગીરી ન કરતી હોય તો બ્લેક લિસ્ટ કરવાની માંગ કેમ નહિ?

ભરૂચ,

ભરૂચ શહેરના મુખ્ય માર્ગો અને વિવિધ વિસ્તારોમાં આવેલા કચરાના મોટા સ્પોટને દૂર કરવાની સાથે ત્યાં મિની ગ્રીન પાર્ક, ગ્રીનરી, પેવર બ્લોક, બેઠક વ્યવસ્થા અને અન્ય જાહેર સુવિધાઓ વિકસાવવામાં આવે તેવી માંગ સાથે વોર્ડ નંબર ૨ના કોંગ્રેસી નગરસેવકો સમશાદઅલી સૈયદ, હેમેન્દ્ર કોઠીવાલા દ્વારા ભરૂચ નગરપાલિકાના પ્રમુખ અને મુખ્ય અધિકારીને લેખિત રજૂઆત કરવામાં આવી છે.

નગરસેવકોએ કરેલ રજૂઆતમાં જણાવાયું છે કે માત્ર કચરો હટાવી દેવાથી સમસ્યાનો કાયમી ઉકેલ આવશે નહીં. જે સ્થળોએ વર્ષોથી કચરો એકત્ર થાય છે, ત્યાં કાયમી વિકાસ અને નિયમિત દેખરેખની વ્યવસ્થા કરવી જરૂરી છે. આવા સ્થળોને સુંદર અને ઉપયોગી જાહેર સ્થળોમાં પરિવર્તિત કરવામાં આવે તો શહેરની સ્વચ્છતા અને સુંદરતામાં વધારો થઈ શકે છે.

નગરસેવકોએ જણાવ્યું કે ડોર ટુ ડોર કચરા કલેક્શન સેવા દરેક વિસ્તારમાં નિયમિત અને સમયસર ઉપલબ્ધ થાય તે અત્યંત જરૂરી છે. કચરા કલેક્શન વાહનોના નિર્ધારિત રૂટ અને સમય નક્કી કરવામાં આવે, સેવાની નિયમિત દેખરેખ રાખવામાં આવે અને બેદરકારી માટે જવાબદારી નક્કી કરવામાં આવે. ઘરેથી જ કચરાનો સમયસર નિકાલ થશે તો જાહેર સ્થળોએ કચરો એકત્ર થવાની સમસ્યામાં ઘટાડો થઈ શકશે.વોર્ડ નંબર ૨ સહિત શહેરના વિવિધ વિસ્તારોમાં કચરાના સ્પોટનું સર્વેક્ષણ કરી તબક્કાવાર વિકાસ કરવાની માંગ કરવામાં આવી છે.ખાસ કરીને ધોબી તળાવ પાસે, ડુંગરી પાણીની ટાંકી પાસે, આખરી મંજિલ કબ્રસ્તાન રોહિતવાસ પાસે, ડબીપુરા મસ્જિદ પાસે, લક્ષ્મીનગર પાસે, સિરાજ પાર્કની સામે, રેહાન ફ્લેટની સામે અને હુસેનીયા રોડ પર આવેલા સ્થળોનો સર્વે કરી સ્થાનિક જરૂરિયાત મુજબ વિકાસ કરવામાં આવે તેવી રજૂઆત કરાઈ છે.

 

આ સ્થળોએ ઉપલબ્ધ જગ્યા અને તકનીકી શક્યતાઓને ધ્યાનમાં રાખીને પેવર બ્લોક, વૃક્ષારોપણ, ગ્રીનરી, બેઠક વ્યવસ્થા, ડેકોરેટિવ લાઇટિંગ તથા જરૂરી હોય ત્યાં સિનિયર સિટીઝન માટે ગેઝિબો જેવી સુવિધાઓ ઊભી કરવાની માંગ કરવામાં આવી છે. સાથે જ, સ્વચ્છતા અંગેના સંદેશા દર્શાવતા બોર્ડ, જરૂરી સ્થળોએ ડસ્ટબિન અને નિયમિત સફાઈની વ્યવસ્થા કરવા પણ જણાવ્યું છે.વોર્ડ નંબર ૨ ના નગરસેવકોએ નગરપાલિકા સમક્ષ શહેરના તમામ મુખ્ય કચરાના સ્પોટનો સર્વે કરી તબક્કાવાર અમલીકરણની યોજના તૈયાર કરવા તથા કામગીરી વહેલી તકે શરૂ કરવાની માંગ કરી છે.અત્રે ઉલ્લેખનીય છે કે જો ડોર ટુ ડોર કચરા કલેક્શન કરતી એજન્સી નિયમિત અને સમયસર કામગીરી ન કરતી હોય તો પાલિકા તંત્ર કાયદેસરની કાર્યવાહી કેમ નથી કરતી તેવા સવાલો ઉઠવા પામ્યા છે તો બીજી તરફ આવી એજન્સીને બ્લેક લિસ્ટ કરવા માટે કોંગ્રેસી નગરસેવકો કેમ પાછી પાણી કરી રહ્યા છે જેવા અનેક સવાલો છે ત્યારે પાલિકા તંત્ર પાસે કોંગ્રેસી નગર સેવકો એજન્સી સામે કાર્યવાહી કરાવે છે કે નહિ તે જોવું રહ્યું.

BNI News
Author: BNI News

Leave a Comment

सबसे ज्यादा पड़ गई
error: Content is protected !!