ભરૂચ,
દહેજ રિલાયન્સ ગેટ નંબર 4 નજીક પૂરઝડપે આવી રહેલા ટેન્કરે બાઈક સવાર દંપતીને અડફેટે લીધું હતું.આ અકસ્માતમાં ગંભીર ઈજાઓના કારણે મહિલાનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું જેના કારણે સમગ્ર વિસ્તારમાં શોકનો માહોલ છવાઈ ગયો છે.
પ્રાપ્ત વિગતો અનુસાર, અકસ્માતનો ભોગ બનેલા આ દંપતી વ્યવસાયે ડૉક્ટર છે અને તેઓ પોતાની બાઈક પર સવાર થઈને જઈ રહ્યા હતા.આ દરમ્યાન રિલાયન્સ ગેટ નંબર 4 નજીક પૂરઝડપે આવેલ ટેન્કર ચાલકે બેદરકારીપૂર્વક વાહન ચલાવીને બાઈકને ટક્કર મારી હતી અને મહિલાને કચડી નાખી હતી. અકસ્માત એટલો ભયાનક હતો કે મહિલાએ ક્ષણભરમાં જ દમ તોડી દીધો હતો.આ દુર્ઘટનામાં સૌથી વધુ હૃદયદ્રાવક બાબત એ રહી કે મૃતક મહિલાના પતિની નજર સામે જ તેમની પત્નીનું મોત નીપજ્યું હતું.પોતાની જ આંખો સામે જીવનસંગિનીને ગુમાવી દેનારા પતિની હાલત અત્યંત દયનીય બની ગઈ છે. મૃતક મહિલાની ઓળખ બિંદુદેવી સંજુ મિશ્રા તરીકે થઈ છે.ઘટનાની જાણ થતાં જ દહેજ પોલીસ સ્ટેશનનો કાફલો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યો હતો.અકસ્માત સર્જ્યા બાદ ટેન્કર ચાલક પોતાનું વાહન ઘટના સ્થળે જ મૂકીને નાસી છૂટવામાં સફળ રહ્યો હતો.પોલીસે મૃતદેહને પોસ્ટ મોર્ટમ અર્થે ખસેડીને ફરાર ટેન્કર ચાલક વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથધરી છે અને આસપાસના સીસીટીવી ફૂટેજ મેળવીને વધુ તપાસ હાથ ધરાઈ છે.



