દિવાળી ટાણે અંકલેશ્વર GIDCમાં ઔદ્યોગિક લાલ દૂષિત પાણીની ધુળેટી!

SHARE:

– AWMLની લાઈનમાં લીકેજ થતાં લાલ દૂષિત પાણીના ફુવારા ઉડ્યા બાદ આજે પણ વરસાદી કાંસમાં દૂષિત પાણીના અસ્તિત્વથી પર્યાવરણ સામે સવાલો

ભરૂચ,

દિવાળીના તહેવારના માહોલ વચ્ચે અંકલેશ્વર જીઆઈડીસી એસ્ટેટમાં ઔદ્યોગિક લાલ દૂષિત પાણીની ધુળેટી જોવા મળી રહી છે.પરમ દિવસે AWMLની લાઈનમાં એકાએક લીકેજ થતાં ઔદ્યોગિક લાલ રંગના દૂષિત પાણીના ફુવારા ઉડ્યા હતા. આ ઘટનાને પગલે ઔદ્યોગિક વસાહતમાં દૂષિત પાણીના નિકાલ અને લાઈનની સલામતી અંગે ફરી એકવાર ગંભીર સવાલો ઊભા થયા છે.

પ્રાપ્ત વિગતો મુજબ, AWMLની લાઈનમાં લીકેજની ઘટના બાદ આજે પણ નોટિફાઈડ ઓથોરિટી દ્વારા ઔદ્યોગિક લાલ દૂષિત પાણીને લિફ્ટ કરી પમ્પિંગ સ્ટેશન ખાતે નિકાલ કરવાની કામગીરી કરવામાં આવી રહી છે. બીજી તરફ, ડીટોક્સ કંપનીની પાછળ આવેલી વરસાદી પાણીના નિકાલની કાંસમાં આ લાલ રંગનું દૂષિત પાણી દૂર સુધી ફેલાયેલું જોવા મળી રહ્યું છે. જેના કારણે વરસાદી પાણીના નિકાલની વ્યવસ્થા અને પર્યાવરણ પર થતી સંભવિત અસરો અંગે ચિંતા વ્યક્ત થઈ રહી છે.

 

આ ઘટનામાં સૌથી મહત્ત્વનો પ્રશ્ન એ છે કે AWMLની લાઈનને દોડવાય તેના સપોર્ટની મજબૂતાઈ કેટલી છે? અને જે માળખા કે આધાર પર આ લાઈન દોડાવવામાં આવી છે તેની ભારવહન ક્ષમતા તથા ટેક્નિકલ મજબૂતાઈ કેટલી છે? વારંવાર આવી ઘટનાઓ ન બને તે માટે લાઈનની ટેક્નિકલ તપાસ, સ્ટ્રક્ચરલ ઓડિટ અને સલામતીના માપદંડોની ચકાસણી કરવી અત્યંત જરૂરી બની છે.

નોંધનીય છે કે અગાઉ ETLની ટાંકી ફાટવાની ઘટનાએ સમગ્ર ઔદ્યોગિક વસાહતમાં ચકચાર મચાવી હતી અને હવે AWMLની લાઈનમાં લીકેજની ઘટના સામે આવી છે. એક પછી એક બનતી આવી ઘટનાઓ ઔદ્યોગિક વસાહતમાં પર્યાવરણીય વ્યવસ્થાપન અને માળખાકીય સલામતીની ટકાઉપણાની જરૂરિયાતને ઉજાગર કરે છે.

હવે સંબંધિત તંત્ર, AWML અને નોટિફાઈડ ઓથોરિટી દ્વારા આ ઘટનાની ગંભીરતાથી તપાસ કરવામાં આવે, વરસાદી કાંસમાં ફેલાયેલા દૂષિત પાણીના નમૂનાઓ લઈ તેની ગુણવત્તાની ચકાસણી કરવામાં આવે તેમજ AWMLની સમગ્ર લાઈન અને તેના સપોર્ટિંગ સ્ટ્રક્ચરનું ટેક્નિકલ ઓડિટ કરવામાં આવે તેવી માંગ ઊઠી રહી છે.

પહેલા ETL અને હવે AWML… આખરે અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતમાં પર્યાવરણની જાળવણી માટે કાયમી અને ટકાઉ વ્યવસ્થા ક્યારે અમલી બનશે? દિવાળીના તહેવાર ટાણે સામે આવેલી આ ઘટના ઔદ્યોગિક વિકાસની સાથે પર્યાવરણીય જવાબદારી નિભાવવાની પણ યાદ અપાવે છે.

BNI News
Author: BNI News

Leave a Comment

सबसे ज्यादा पड़ गई
error: Content is protected !!