– છેલ્લા 10 વર્ષથી દર નૂતનવર્ષે સફાઈ કર્મચારીઓને રૂબરૂ મળી શુભેચ્છા પાઠવી સન્માનિત કરવાની પરંપરા
ભરૂચ,
દિવાળી અને વિક્રમ સંવત ૨૦૮૩ના નૂતનવર્ષના પાવન અવસરે ભરૂચ નગરપાલિકાના વોર્ડ નંબર-2ના કાઉન્સિલરો દ્વારા સફાઈ કર્મચારીઓના સન્માનનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.
વોર્ડ નંબર-2ના કાઉન્સિલરો દ્વારા છેલ્લા 10 વર્ષથી દર વર્ષે નવા વર્ષના પ્રથમ દિવસે સવારે વોર્ડની સેનેટરી વિભાગની સમગ્ર ટીમને રૂબરૂ મળી નૂતનવર્ષની શુભકામનાઓ પાઠવવામાં આવે છે અને તેમની નિષ્ઠાપૂર્વકની સેવાઓને બિરદાવી સન્માનિત કરવામાં આવે છે. આ વર્ષે પણ આ પરંપરા અંતર્ગત સમગ્ર ટીમનું સન્માન કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે પૂર્વ વિપક્ષ નેતા અને કાઉન્સિલર સમશાદઅલી સૈયદે જણાવ્યું હતું કે, આપણે જ્યારે તહેવારોની ઉજવણી કરીએ છીએ ત્યારે આ કર્મચારીઓ પોતાની ફરજ નિષ્ઠાપૂર્વક નિભાવી વોર્ડની સ્વચ્છતા જાળવતા હોય છે.તેમની મહેનત, સમર્પણ અને સેવાભાવના ખરેખર અભિનંદનને પાત્ર છે.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, વોર્ડના વિકાસની સાથે સ્વચ્છતા જાળવવામાં મહત્ત્વની ભૂમિકા ભજવતી સેનેટરી વિભાગની ટીમને યોગ્ય માન-સન્માન મળે તે હંમેશાં અમારો પ્રયાસ રહ્યો છે. છેલ્લા એક દાયકાથી નવા વર્ષની શરૂઆત આ સાથીઓને શુભેચ્છાઓ પાઠવી અને તેમનું સન્માન કરીને કરવામાં આવે છે.
આ પ્રસંગે વોર્ડ નંબર-2ના કાઉન્સિલરો સમશાદ અલી સૈયદ, હેમેન્દ્ર કોઠીવાલા,સાબેરાબેન પટેલ,નફીસાબેન પટેલ ઉપસ્થિત રહ્યા હતા.
અંતમાં સેનેટરી વિભાગની સમગ્ર ટીમનો આભાર વ્યક્ત કરી સૌને નૂતનવર્ષની હાર્દિક શુભકામનાઓ પાઠવવામાં આવી હતી.



