ભરૂચ,
દિવાળી એટલે આનંદ, ઉત્સાહ અને ઉત્સવનો પર્વ.દિવાળી આવે એટલે આપણને વિવિધ પ્રકારની સ્વાદિષ્ટ વાનગીઓ, દીવડાઓની રોશની અને સુંદર રંગોળી યાદ આવે.
આ વર્ષે ભરૂચ મંદિર ૨૫મી વર્ષગાંઠની ઉજવણી કરી રહ્યું છે. આ શુભ પ્રસંગને યાદગાર બનાવવા માટે યુવતી મંડળ દ્વારા એક વિશિષ્ટ અને અનોખી રંગોળી બનાવવામાં આવી છે.
આ રંગોળી માટે નીલકંઠ વર્ણીનું સ્વરૂપ પસંદ કરવામાં આવ્યું છે. તેની પાછળ પણ એક સુંદર ભાવના છે. ૨૫ વર્ષ પહેલાં ભરૂચ મંદિરમાં સૌપ્રથમ વાર નીલકંઠ વર્ણીની અભિષેક મૂર્તિની સ્થાપના કરવામાં આવી હતી.તેથી આ ૨૫મી વર્ષગાંઠના અવસરે નીલકંઠ વર્ણીની રંગોળી બનાવીને આપણે આ ઐતિહાસિક પ્રસંગને શ્રદ્ધાપૂર્વક યાદ કર્યો છે.
અને આપણે સૌ જાણીએ છીએ કે બાપાને નીલકંઠ વર્ણી પ્રત્યે વિશેષ પ્રેમ અને લગાવ છે.તેથી આ રંગોળી દ્વારા બાપાને રાજી કરવાનો એક નાનકડો પ્રયાસ કરવામાં આવ્યો છે.
હવે આ રંગોળીની ખાસિયત વિશે વાત કરીએ તો, આ કોઈ સામાન્ય રંગોળી નથી. આ રંગોળી વિવિધ પ્રકારની બિસ્કિટ, પાસ્તા, સીંગદાણા, ફ્રાયમ્સ, ચોખા અને ઘઉંના મમરાનો ઉપયોગ કરીને બનાવવામાં આવી છે.
આ સુંદર રંગોળી તૈયાર કરવા માટે લગભગ ૧૨થી ૧૩ યુવતીઓએ અંદાજે ૪૦ કલાકનો સમર્પિત સમય આપ્યો છે.
વિચારો,આટલા બધા કલાકોની મહેનત, એકબીજાનો સહકાર, ધીરજ અને સૌથી મહત્ત્વની વાત એટલે બાપાને રાજી કરવાની ભાવના!
આ રંગોળી બનાવવાનો અમારો મુખ્ય હેતુ માત્ર કંઈક નવું અને સુંદર બનાવવાનો નહોતો, પરંતુ અમારી કળા, સમય અને મહેનત ભગવાનનાં ચરણોમાં અર્પણ કરવાનો હતો.
કારણ કે સાચી સેવા એ જ છે,જેમાં આપણી મહેનત કરતાં ભગવાનને રાજી કરવાની ભાવના વધુ મહત્ત્વની હોય છે.
અંતમાં, આ રંગોળી દ્વારા અમે બાપાને એટલી જ પ્રાર્થના કરીએ છીએ કે તેઓ હંમેશાં અમારા પર રાજી રહે અને અમને આવી જ રીતે સેવા, સત્સંગ અને ભક્તિમાં જોડાયેલા રાખે.



