– નાના સાંજના અન્ય એકનું સુરત ખાતે સારવાર દરમ્યાન મોત : ઈજાગ્રસ્ત એકને ભરૂચ સારવાર હેઠળ દાખલ કરાયો
(જ્યશીલ પટેલ,ઝઘડીયા)
ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના ગોવાલી ગામ નજીક આવેલા ઈસ્કોન મંદિરના કટ પાસે રાત્રિના સમયે પૂરઝડપે જતી યામાહા મોટરસાયકલ અને એક્ટિવા વચ્ચે સર્જાયેલા ગમખ્વાર અકસ્માતમાં એક્ટિવા ચાલકનું ઘટના સ્થળે જ કરૂણ મોત નીપજ્યું છે,જ્યારે બાઈક પર સવાર બે યુવકોને ગંભીર ઈજાઓ પહોંચતા સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે.જેમાંથી એકને વધુ સારવાર તે સુરત દાખલ કરાતા સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું છે.
પોલીસ ફરિયાદની વિગતો અનુસાર ઝઘડિયા તાલુકાના ગોવાલી ગામના નિશાળ ફળિયા ખાતે રહેતા અને ખેતીકામ કરતા રોહિતભાઈ સોમાભાઈ પટેલ (ઉ.વ.૫૧) રાત્રે આશરે આઠેક વાગ્યાના અરસામાં પોતાના ઘરે જમી-પરવારીને બેઠા હતા.તે દરમ્યાન ગામના રોમીકભાઈ શશીકાંતભાઈ પટેલે ફોન કરીને જાણ કરી હતી કે ગોવાલી ગામ નજીક ઈસ્કોન મંદિરના કટ પાસે રોડ ઉપર રોહિતભાઈના સાઢુભાઈ નંદલાલભાઈ બાબુભાઈ પટેલની એક્ટિવા અને એક યામાહા મોટરસાયકલ વચ્ચે અકસ્માત થયો છે અને તેઓ રોડ સાઈડ પર પડેલા છે.
આ બનાવની જાણ થતાં જ રોહિતભાઈ પટેલ,પરેશભાઈ ગોવિંદભાઈ મકવાણા,દિલીપભાઈ સોમાભાઈ પટેલ, મૃતકના પત્ની નિમિષાબેન તેમજ ફળિયાના અન્ય ગ્રામજનો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગયા હતા.સ્થળ પર જઈને જોતાં નંદલાલભાઈ પટેલની એક્ટિવા સંપૂર્ણપણે ક્ષતિગ્રસ્ત થઈ ગઈ હતી. અકસ્માતમાં નંદલાલભાઈને કપાળના ભાગે, ચહેરાની ડાબી બાજુએ તથા પેટના ડાબા ભાગે ચામડી ફાટી જવાથી ગંભીર ઈજાઓ પહોંચી હતી.તેમજ બંને હાથ અને ડાબા પગે ફ્રેક્ચર થવાથી તેમનું ઘટનાસ્થળે જ કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું. તેમના મૃતદેહને ખાનગી એમ્બ્યુલન્સ મારફતે ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવામાં આવ્યો હતો.
બીજી તરફ, અકસ્માત સર્જનાર યામાહા મોટરસાયકલના ચાલક અભિ સંતોષભાઈ વસાવા અને તેની પાછળ બેસેલા કમલેશભાઈ સુરેશભાઈ વસાવા બંને રહે. નાનાસાંજા, તા.ઝઘડિયા જી.ભરૂચ ને પણ શરીરે નાની-મોટી ગંભીર ઈજાઓ પહોંચતા બંનેને ૧૦૮ એમ્બ્યુલન્સ મારફતે તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.ઈજાગ્રસ્તો પૈકી અભી સંતોષભાઈ વસાવાને વધુ સારવાર અર્થે સુરત ખાતે લઈ જવાતા સારવાર દરમ્યાન અભી સંતોષભાઈ વસાવાનું સુરત ખાતે મરણ થયું હતું અકસ્માતની ઘટનામાં બેના મરણ તેમજ એકને ઈજાગ્રસ્ત થતા સિવિલ હોસ્પિટલ ખાતે દાખલ કરાયો હતો.
આ સમગ્ર મામલે મૃતક નંદલાલ બાબુભાઈ પટેલના સાઢુભાઈ રોહિતભાઈ સોમાભાઈ પટેલે ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે રૂબરૂમાં યામાહા મોટરસાયકલ પૂરઝડપે અને ગફલતભરી રીતે હંકારી અકસ્માત સર્જી મોત નીપજાવનાર ચાલક અભિ સંતોષભાઈ વસાવા વિરુદ્ધ કાયદેસરની ફરિયાદ નોંધાવી છે.



