રાજપીપલા,
બેસતા વર્ષના તહેવારના દિવસે તિલકવાડા પંથકમાં એક મોટી દુર્ઘટના ટળી છે.નર્મદાના દેવળિયા તરફથી આવીને તિલકવાડા તરફ જઈ રહેલી એક ઈકો ગાડીમાં અચાનક ભયાનક આગ ફાટી નીકળી હતી.સદ્દનસીબે ગાડીમાં સવાર બંને વ્યક્તિઓ સમય સૂચકતા વાપરી બહાર નીકળી જતાં તેમનો આબાદ બચાવ થયો છે.
ઘટનાની વિગત મુજબ બેસતા વર્ષના પાવન પર્વે GJ 06 JE 6777 નંબરની મારૂતિ ઈકો ગાડી દેવળિયાથી તિલકવાડા તરફ આવી રહી હતી.આ દરમ્યાન તિલકવાડા તાલુકાના કામસોલી અને ગોલા તલાવડી ગામ વચ્ચેથી પસાર થતી વખતે ગાડીમાં અચાનક શોર્ટ સર્કિટ અથવા અન્ય કોઈ કારણોસર આગ લાગી હતી.આગ એટલી ઝડપથી પ્રસરી હતી કે જોતજોતામાં સમગ્ર ગાડીને લપેટમાં લઈ લીધી હતી.ગાડીમાં સવાર બંને વ્યક્તિઓ સમયસર નીચે ઉતરી જતાં મોટી જાનહાનિ ટળી હતી, પરંતુ જોતજોતામાં આખી ગાડી સળગીને રાખ થઈ ગઈ હતી.
ઘટનાની જાણ થતાં જ તિલકવાડા પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી ગઈ હતી.અકસ્માતને પગલે હાઈવે પર મોટી સંખ્યામાં લોકોના ટોળા એકઠા થઈ ગયા હતા.તહેવારના દિવસે જ બનેલી આ ઘટનાને પગલે પંથકમાં ભારે ચકચાર મચી જવા પામી છે.



