– ૧૮ કિલો બિનઆરોગ્યપ્રદ ખાદ્ય સામગ્રીનો નાશ કરાયો
(જ્યોતિ જગતાપ,રાજપીપલા)
નર્મદા જિલ્લામાં દિવાળી વેકેશન દરમ્યાન પ્રવાસીઓ અને મુસાફરોને શુદ્ધ, સુરક્ષિત અને ગુણવત્તાયુક્ત ભોજન મળી રહે તેવા હેતુથી માનનીય આરોગ્ય મંત્રીના માર્ગદર્શન હેઠળ અમલી બનાવાયેલા “ઓપરેશન હેલ્થ” અંતર્ગત ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા હાઈવે પર આવેલી હોટેલોમાં સઘન તપાસ હાથ ધરવામાં આવી છે.
આ તપાસ દરમ્યાન હોટેલોમાં ગ્રાહકોને પીરસવામાં આવતા ખોરાકની ગુણવત્તા, ખાદ્ય સામગ્રી તૈયાર કરવા માટે ઉપયોગમાં લેવાતા કાચા માલની ગુણવત્તા, રસોડા સહિતના સ્થળોએ સ્વચ્છતાની જાળવણી તેમજ હોટેલમાં કાર્યરત કર્મચારીઓની વ્યક્તિગત સ્વચ્છતા જેવા મહત્વના પાસાઓનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું.
આ ઝુંબેશ અંતર્ગત અત્યાર સુધીમાં કુલ ૧૧ હોટેલોની તપાસ કરવામાં આવી છે.જેમાંથી ૨ હોટેલોમાં ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ એક્ટ-૨૦૦૬ના શિડ્યુલ-૪ની શરતો અને જોગવાઈઓનું પાલન થતું ન હોવાનું જણાતા સંબંધિત હોટેલ સંચાલકોને જરૂરી સુધારા કરવા માટે નોટિસ આપવામાં આવી છે.આ ઉપરાંત ૧૮ કિલો જેટલી બિનઆરોગ્યપ્રદ ખાદ્ય સામગ્રીનો યોગ્ય રીતે નિકાલ કરવામાં આવ્યો છે.
હોટેલ સંચાલકોને પણ દૂધ માંથી તૈયાર કરાયેલા આઈસ્ક્રીમ અને પામતેલ તથા મિલ્ક પાવડર માંથી તૈયાર થતા આઈસ્ક્રીમ જેવા દેખાતા ‘ફ્રોઝન ડેઝર્ટ’ વચ્ચેનો સ્પષ્ટ ભેદ દર્શાવતું બોર્ડ ગ્રાહકોને સરળતાથી દેખાય તે રીતે લગાવવાનું રહેશે. આ અંગે પણ તંત્ર દ્વારા વિશેષ ઝુંબેશ હાથ ધરવામાં આવી છે.



