– પ્રાથમિક સારવાર બાદ વડોદરા રીફર કરાયા : પોલીસે અજાણ્યા વાહન સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી
(સંજય પટેલ,જંબુસર)
જંબુસરના દેવકોઈ ગામ નજીક અજાણ્યા વાહને બાઈકને ટક્કર મારતા ત્રણ યુવકો ગંભીર રીતે ઘાયલ થતા તમામને સારવાર અર્થે ખસેડાવામાં આવ્યા હતા.
ભરૂચ જીલ્લાના જંબુસર તાલુકાના દેવકોઈ ગામ નજીક અજાણ્યા વાહને એક બાઈકને જોરદાર ટક્કર મારતાં બાઈક સવાર સહિત ત્રણ યુવકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા.જોકે ઘટનાની જાણ થતાં 108 એમ્બ્યુલન્સ મારફતે ત્રણેય ઈજાગ્રસ્તોને તાત્કાલિક જંબુસરની સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા.
જંબુસર સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલના તબીબો દ્વારા ત્રણેય ઈજાગ્રસ્તો કનાસિયા કમલેશ બળવંતભાઈ ઉંમર 25 વર્ષ,મેહુલ રાજુ કનાસિયા ઉંમર 26 વર્ષ અને વિપુલભાઈ પંકજભાઈ બારિયા ઉંમર 18 વર્ષને પ્રાથમિક સારવાર આપવામાં આવી હતી.જોકે ગંભીર ઈજાઓને પગલે વધુ સારવાર અર્થે ત્રણેયને વડોદરા રિફર કરવામાં આવ્યા છે.
બીજી તરફ અકસ્માતની જાણ થતાં જ જંબુસર પોલીસ તાત્કાલિક સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ ખાતે દોડી આવી હતી.અકસ્મત કરનાર અજાણ્યા વાહન અંગે જંબુસર પોલીસ દ્વારા વધુ તપાસ હાથધરી કાયદેસરની કાર્યવાહી કરી રહ્યા છે.




