– રાજપારડી નજીક ત્રણ દિવસ પહેલા ટ્રકની અડફેટે મોટરસાયકલ સવારને ઈજાઓ : બેફામ દોડતા વાહનો પર અંકુશ જરૂરી !
(જયશીલ પટેલ, ઝઘડીયા)
ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકામાં માર્ગ અકસ્માતોની ઘટનાઓમાં સતત વધારો થઈ રહ્યો છે, ત્યારે બેફામ ગતિએ દોડતાં ભારે વાહનોના કારણે માર્ગ સુરક્ષાનો પ્રશ્ન ફરી એકવાર ચર્ચામાં આવ્યો છે.ત્રણ દિવસ પહેલાં એટલે કે તા. ૨૨ નવેમ્બરના રોજ રાજપારડી નજીક હનુમાન ટેકરી પાસે હાઇવા ટ્રક અને મોટરસાયકલ વચ્ચે અકસ્માત સર્જાતાં મોટર સાયકલસવારને ઈજાઓ પહોંચી હતી.આ બનાવને પગલે સ્થાનિક લોકોમાં માર્ગ સલામતીને લઈને ચિંતા જોવા મળી રહી છે.
અકસ્માતની વિગતો મુજબ વિપુલભાઈ હિંમતભાઈ જિયાણી રહે.ખડસડ તા.કામરેજ જી.સુરતના તા.૨૨ મીના રોજ મોટરસાયકલ લઈને સુરતથી નર્મદા જિલ્લાના કેવડીયા નજીકના નાસરી ગામે આવેલ મંદિરે પુનમ ભરવા જવા નીકળ્યા હતા. ત્યારબાદ સાંજના સાડા ચાર વાગ્યાના અરસામાં તેઓ ઝઘડિયા તાલુકાના રાજપારડી પાસે હનુમાન ટેકરી નજીકથી પસાર થઈ રહ્યા હતા તે દરમિયાન પુરઝડપે આવતી એક હાઈવા ટ્રક તેમની મોટરસાયકલ સાથે અથડાતા અકસ્માત સર્જાયો હતો.આ અકસ્માતમાં વિપુલભાઇને શરીરે ઈજાઓ થવા ઉપરાંત બન્ને પગે ફેક્ચર થયા હતા.અકસ્માત બાદ ઈજાગ્રસ્તને સારવાર માટે અવિધા સરકારી દવાખાને લઈ જવાયા હતા અને ત્યાંથી વધુ સારવાર માટે ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે અને ત્યારબાદ સુરત લઈ જવાયા હતા.
આ મામલે ઇજાગ્રસ્ત વિપુલભાઈના મસીયાઈ ભાઈ અજયભાઈ ભરતભાઈ વેકરિયા રહે.ગામ સીમાડા જી.સુરતનાએ અકસ્માત સર્જી પોતાનું વાહન સ્થળ ઉપર મુકીને નાશી ગયેલ અજાણ્યા ટ્રક ચાલક વિરૂધ્ધ રાજપારડી પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.ફરિયાદમાં ભારે વાહનના ચાલક સામે બેફામ અને બેદરકારીપૂર્વક વાહન ચલાવી અકસ્માત સર્જવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે.બનાવ અંગે રાજપારડી પોલીસે ગુનો નોંધી આગળની તપાસ હાથધરી હતી.ઝઘડિયા તાલુકામાં છેલ્લા કેટલાક સમયથી માર્ગ અકસ્માતોની ઘટનાઓ સતત સામે આવી રહી છે.તાલુકા માંથી પસાર થતા ધોરીમાર્ગ સહિતના માર્ગો પર ભારે વાહનોની અવરજવર વધુ રહેતી હોવાથી વાહનચાલકોની બેદરકારી અને બેફામ ડ્રાઇવિંગને પગલે અકસ્માતનું જોખમ વધી રહ્યું છે.તાલુકામાં વારંવાર સર્જાતા અકસ્માતોને કારણે નિર્દોષ વાહનચાલકો અને રાહદારીઓની સુરક્ષા સામે સવાલો ઊભા થઈ રહ્યા છે.માર્ગો પર દોડતા ભારે વાહનોની ગતિ પર નિયંત્રણ રાખવામાં આવે તેમજ ટ્રાફિક નિયમોનું કડક પાલન કરાવવામાં આવે અને તાલુકામાં અકસ્માતોની વણથંભી વણઝાર અટકાવવા પોલીસ અને સંબંધિત તંત્ર દ્વારા અસરકારક પગલાં લેવામાં આવે તેવી લોકમાંગ ઊઠી રહી છે.



