ભરૂચના નારી સંરક્ષણ કેન્દ્રના પ્રાંગણમાં ગુંજ્યા શરણાઈના સૂર : અનાથ દીકરીએ પ્રભુતામાં પગલાં પાડ્યા

SHARE:

ભરૂચ,

મહિલા અને બાળ વિકાસ વિભાગ ગાંધીનગર અને મહિલા અને બાળ અધિકારીની કચેરી સંચાલિત ભરૂચના નારી સંરક્ષણ કેન્દ્ર ખાતે એક અત્યંત ભાવુક અને આનંદમય પ્રસંગ ઉજવાયો હતો. વર્ષ ૨૦૦૭થી આ કેન્દ્રમાં આશ્રય લઈ રહેલી માતા-પિતા વિહોણી દીકરી સુનીતાના કારતક સુદ પૂનમ એટલે કે તારીખ ૨૪/૧૧/૨૦૨૬ના રોજ ત્રાલસા નિવાસી સ્વર્ગસ્થ સુખદેવભાઈ અને શાંતાબેન પટેલના સુપુત્ર મહેશભાઈ પટેલ સાથે ધામધૂમથી શુભ લગ્ન યોજાયા હતા.નારી સંરક્ષણ કેન્દ્રના પ્રાંગણમાં શરણાઈના મધુર સૂરો સાથે સમગ્ર વાતાવરણ લગ્નમય બની ગયું હતું.

​લગ્ન પ્રસંગે ભૂદેવોના વેદોક્ત મંત્રોચ્ચાર સાથે ગણેશ સ્થાપના, ગ્રહશાંતિ, હસ્તમેળાપ અને મંગળફેરા સહિતની તમામ શાસ્ત્રોક્ત વિધિઓ સંપન્ન કરવામાં આવી હતી.આ પવિત્ર અવસરે જતીનભાઈ ભટ્ટ, નીલાબેન ભટ્ટ તેમજ હાર્દિકભાઈ ચૌહાણ અને તેમના ધર્મપત્નીએ માતા-પિતાની ખોટ ન વર્તાય તે રીતે સુનીતાનું કન્યાદાન કરીને પુણ્યનું ભાથું બાંધ્યું હતું.તમામ વિધિઓ પૂર્ણ થયા બાદ ઉપસ્થિત સૌ કોઈની ભીની આંખો વચ્ચે દીકરી સુનીતાને ભાવભીની વિદાય આપવામાં આવી હતી.આ માંગલિક અવસરે જિલ્લા પંચાયત પ્રમુખ ડિમ્પલબેન રાજ, ભરૂચ નગરપાલિકા પ્રમુખ દેવેન્દ્ર વસાવા,પાલિકા કારોબારી ચેરમેન પ્રજ્ઞેશ પટેલ, ઈન્ચાર્જ દહેજ પ્રતિબંધક અધિકારી અસ્મિતાબેન સંગાડા, અગ્રણીઓ રાજેન્દ્રભાઈ સુતરીયા તેમજ નારી સંરક્ષણ કેન્દ્રના મેનેજર પ્રિયાબેન પઢીયાર સહિત સમગ્ર કર્મચારીગણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને નવદંપતીને સુખી દામ્પત્ય જીવનના આશીર્વાદ પાઠવ્યા હતા.

BNI News
Author: BNI News

Leave a Comment

सबसे ज्यादा पड़ गई
error: Content is protected !!