ભરૂચના અંગારેશ્વર ગામે બિરાજમાન મંગળનાથ મહાદેવની મંગળવારે પૂજન અર્ચન કરવાનો વિશેષ માહત્મ્ય

SHARE:

– અહીં નાગ નાગણ નું જોડું તેમજ કંકુ સહિત લાલ વસ્તુ ચઢાવવાની માન્યતા
– મંગળ દોષ,લગ્ન તેમજ સંતાન પ્રાપ્તિ માટે દૂર દૂરથી આવે છે ભકતો
ભરૂચ,
ભરૂચના અંગારેશ્વર ગામના પાવન નર્મદા તટે આવેલ અતિપૌરાણીક મંગળનાથ મહાદેવનો મહિમા અનેરો છે.સોમવારે પૂજાતા મહાદેવને અહીં મંગળવારના રોજ પૂજવાનું માહત્મ્ય રહેલું છે.મંગળદોષ માંથી મુક્તિ આપતા મંગળનાથ મહાદેવ હજારો ભક્તોના આસ્થાના કેન્દ્રસમા છે.
ભરૂચની પૂર્વ પટ્ટી પર નર્મદા તટે આવેલ અંગારેશ્વર ગામમાં મહાદેવનું મંગળનાથ મંદિરનો મહિમા અપરંપાર છે.આ મંદિરમાં કોઈપણ જાતનો મંગળ દોષ સામાન્ય પૂજા કરવાથી દૂર થઈ જાય છે.આ મંદિરમાં ખાસ માંગલીક જાતકો આવીને પૂજા કરે છે.આ મંદિરના માહત્મ્ય વિશે જાણીએ તો સતયુગના મહાન તપસ્વી અંગારક ઋષિ જેમની જન્મકુંડળીમાં મંગળ દોષ હતો.જેના નિવારણ માટે તેમને પૂજન,અર્ચન,જપ,તપ અને સાધના જેવા અનેક ધર્મ કાર્યો કરવામાં અનેક વિઘ્ન આવતા હતા.આ વિઘ્નના નિવારણ અર્થે અંગારક ઋષિએ નર્મદા નદીના પાવન તટે મંગળદોષ નિવારણ અર્થે શિવજીની આરાધના કરી હતી.જેથી આ ગામ નું નામ અંગારેશ્વર પડ્યું હોવાનું કહેવાય છે.ઋષિ તપસ્યાના કારણે પ્રસન્ન થયેલા શિવજી એ અંગારક ઋષિના મંગળદોષનું નિવારણ કરવા સાથે વચન આપ્યું કે અહીં લાલ વસ્તુથી જે કોઈ પૂજન અર્ચન કરશે તેના મંગળદોષનું નિવારણ થશે. નર્મદા પુરાણની કથા અનુસાર નર્મદાના અંગારક ઘાટ આગળ આવેલા આ શિવાલયને મંગળનાથ મહાદેવના નામથી ઓળખાય છે.નર્મદા પુરાણના રેવાખંડ શ્લોન નંબર ૧૪૮ માં મંગળનાથ તીર્થ ના મહિમા નું વર્ણન કરાયું છે.તમામ શિવ મંદિરોમાં શિવલિંગ ઉપર એક નાગ હોય છે જ્યારે અહીં નાગ નાગણનું જોડું બિરાજમાન છે.તે ઉપરાંત સોમવારે પૂજાતા શિવજી અહીં મંગળવારે પૂજાય છે.શ્રાવણના મંગળવારે આ મહાદેવના પૂજનનો વિશેષ મહિમા રહેલો છે.મંગળનાથ મહાદેવના દર્શને આવતા શ્રદ્ધાળુઓની અનેક મનોકામના પૂર્ણ થાય છે.યુવક યુવતીઓના લગ્ન તેમજ સંતાન પ્રાપ્તિ માટે અહીં માનતા રાખવામાં આવે છે. ભક્તો મંગળનાથ મહાદેવની પૂજા અર્ચના કરવા સાથે જળાભિષેક કરી લાલ વસ્તુઓ ચઢાવી રહ્યા છે.સાથે સાથે મંગળદોષના નિવારણ માટે અહીં દૂર દૂરથી શ્રદ્ધાળુઓ આવે છે અને મંગળદોષ નિવારણની વિધિ કરી તેમાંથી મુક્તિ મેળવે છે.તેથી શ્રાવણ માસના મંગળવાર અને અંગારકી ચોથના દિવસે અહીં ભારે ભીડ જોવા મળે છે. ભરૂચથી આશરે 25 કિલોમીટરના અંતરે આવેલ અંગારેશ્વર ગામમાં બિરાજમાન મંગળનાથ મહાદેવના દર્શનાર્થે દૂર દૂર થી ભક્તો ઉમટી રહ્યા છે.

BNI News
Author: BNI News

Leave a Comment

error: Content is protected !!