(વિજય વસાવા,નેત્રંગ)
હર ઘર તિરંગા, હર ઘર સ્વચ્છતા : સ્વતંત્રતા સ્વચ્છતા કે સંગ” અભિયાન અંતર્ગત ભરૂચ જિલ્લામાં વિવિધ જનજાગૃતિ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે.આજ રોજ નેત્રંગ તાલુકા વહીવટીતંત્ર દ્વારા નેત્રંગ ખાતે તાલુકાકક્ષાની ભવ્ય તિરંગા યાત્રા દેશભક્તિના જુસ્સા અને તિરંગાના માન-સન્માન સાથે યોજાઈ હતી.આ વર્ષની થીમ “હર ઘર તિરંગા, હર ઘર સ્વચ્છતા: સ્વતંત્રતા કા ઉત્સવ, સ્વચ્છતા કે સંગ” હેઠળ આયોજિત આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં તાલુકા વાસીઓ ઉમંગભેર જોડાઈને દેશભક્તિ અને સ્વચ્છતાનો અનોખો સંગમ જોવા મળ્યો હતો.
ઝઘડિયા વિધાનસભાના ધારાસભ્ય રિતેશ વસાવા, નેત્રંગ મામલતદાર રીતેશ કોંકણી, તાલુકા વિકાસ અધિકારી યોગેશ પવાર, નેત્રંગ પોલીસ ઈન્સ્પેકટર આર.સી.વસાવા,તાલુકા હેલ્થ ઓફિસર ડૉ.એ. એન.સિંઘ,તાલુકા શિક્ષણ અધિકારી પુષ્પેન્દ્રસિંહ ગોથાણા,એમ.એમ.ભક્ત હાઈસ્કુલના આચાર્ય આર.એલ.વસાવા સહિતના મહાનુભાવોએ રાષ્ટ્રધ્વજ લહેરાવી શ્રીમતિ એમ.એમ.ભક્ત હાઈસ્કુલ ખાતેથી તિરંગા યાત્રાને રાષ્ટ્રીય ગૌરવ સાથે પ્રસ્થાન કરાવ્યું હતું.નેત્રંગ તાલુકા વાસીઓએ અદભૂત જોશ અને અનેરા ઉત્સાહ થકી રાષ્ટ્રની એકતા અને અખંડિતતાની અતૂટ ભાવના વ્યક્ત કરી હતી.આ યાત્રા શ્રીમતિ એમ.એમ.ભક્ત હાઈસ્કુલથી પ્રસ્થાન કરી નેત્રંગ મામલતદાર કચેરીથી પરત થઈ હાઈસ્કુલ ખાતે સંપન્ન થઈ હતી.આ તિરંગા યાત્રામાં શ્રીમતિ એમ.એમ.ભક્ત હાઈસ્કુલના વિધાર્થીઓ તેમજ શાળા પરિવાર અને સરકારી વિનયન અને વાણિજ્ય કોલેજના વિદ્યાર્થીઓ અને કોલેજ પરિવાર, માધવ વિદ્યાપીઠ કાકડકુઈના વિદ્યાર્થીઓ સહિત મોટી સંખ્યામાં લોકો સ્વયંભૂ રીતે આ તિરંગા યાત્રામાં જોડાયા હતા.




