– જિલ્લામાં વિવિધ ક્ષેત્રે નોંધપાત્ર અને ઉત્કૃષ્ટ કામગીરી કરનારા વિશિષ્ટ વ્યક્તિઓનું સન્માન કરાયું
ભરૂચ,
ભરૂચ જિલ્લામાં આધ્યાત્મિક તપોભૂમિ તરીકે ઓળખ ધરાવતાં વાલિયા ખાતે આવેલા સીતારામ સેવા ટ્રસ્ટના કમ્પાઉન્ટ ખાતેથી રાજ્યના વન અને પર્યાવરણ, કલાઈમેટ ચેન્જ, જળસંપત્તિ અને પાણીપુરવઠા વિભાગ રાજ્યકક્ષાના મંત્રીશ્રી મુકેશભાઈ પટેલની ગરીમામય ઉપસ્થિતિમાં જિલ્લા કક્ષાના ઘ્વજવંદન સમારોહની આન-બાન-શાન સાથે ગૌરવભેર ઉજવણી કરવામાં આવી હતી.આ અવસરે ગણવેશધારી પોલીસ દળના જવાનોએ રાષ્ટ્રગીતની સૂરાવલીઓ વચ્ચે મંત્રીશ્રી મુકેશભાઈ પટલે રાષ્ટ્રધ્વજને સલામી આપી હતી. મંત્રીશ્રીએ પરેડનું નિરિક્ષણ કર્યું હતું. તેમાં જિલ્લા સમાહર્તા ગૌરાંગ મકવાણા, પરેડ કમાન્ડર અને જિલ્લા પોલીસવડા જોડાયા હતા.
રાજ્યકક્ષાના મંત્રી મુકેશ પટેલે ૭૯માં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણીની સૌને હાર્દિક શુભકામનાઓ પાઠવી હતી.સ્વતંત્ર સંગ્રામમાં દેશ માટે આહૂતિ આપનાર તમામ સ્વાતંત્ર્ય વીરોને યાદ કરી શ્રધ્ધા સુમન અપર્ણ કર્યા હતા.ઓપરેશન સિંદુરના પરાક્રમની વાત કરી હતી.આપણા જવાનોના આ અદમ્ય પરાક્રમ ઉપર દેશ ગૌરવની લાગણી અનુભવે તેમ ભારપૂર્વક જણાવ્યું હતું. ગુજરાતના પનોતા પુત્ર અને આદર્શ નેતા એવા પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીને યાદ કરી શ્રદ્ધાંજલિ પાઠવી હતી.તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં નવા સોપાનો સર કર્યાની ઝલક આપતા રાજ્યમાં આરોગ્ય, શિક્ષણ, ખેલ, કૃષિ વિકાસ, સહકાર, વન સંરક્ષણ, ઉદ્યોગ, પ્રવાસન, ઉજાક્ષેત્ર, ગ્રામ્યક્ષેત્રે થયેલી વિકાસગાથાની ઝાંખી કરાવી હતી.
ભરૂચ જિલ્લાની વાત કરતા તેમણે ઉમેર્યું કે ભરૂચ જિલ્લામાં કૃષિ, ઉદ્યોગ અને સેવા ત્રણેય ક્ષેત્રે સમતોલ વિકાસની અદભૂત કેડી કંડારાઈ છે. દેશના વિકાસ મંત્ર “સૌના સાથ, સૌના વિકાસ”ને સાચા અર્થમાં ચરિતાર્થ કરીને, ભરૂચ જિલ્લાએ ગુજરાતના ઔદ્યોગિક નકશા પર એક અગ્રણી સ્થાન પ્રાપ્ત કર્યું છે.જેના પ્રતિબિંબ વર્ણવતા ભાર પૂર્વક કહ્યું કે, ઔદ્યોગિક ક્ષેત્રે ભરૂચ જિલ્લો ગુજરાત અને ભારતમાં શિરમોર સ્થાન ધરાવે છે. ભારતના ફાર્માસ્યુટિકલ ઉદ્યોગને એક નવી દિશા આપતા ૨૦૦૦ એકરમાં રૂા.૨૫૦૬ કરોડના ખર્ચે નિર્માણ પામનારો બલ્કડ્રગ પાર્ક, દહેજમાં કાર્યરત દેશનો પ્રથમ પેટ્રોલિયમ, કેમિકલ્સ અને પેટ્રોકેમિકલ ઈન્વેસ્ટમેન્ટ રિજન (PCPIR) પ્લાન્ટ, દરિયાના ખારા પાણીને શુદ્ધ કરીને ઉદ્યોગોની પાણીની જરૂરિયાત પુરી પાડતો ૧૦૦ એમએલડી ક્ષમતાનો ડિસેલિનેશન પ્લાન્ટ સાથે ભરૂચ જિલ્લા માટે સિમાચિન્હ સ્વરૂપ ભાડભૂત બેરેજ યોજના, વાલિયા ટ્રાયબલ ઔદ્યોગિક પાર્ક અને સી-ફૂડ પાર્ક જેવા મહત્વપૂર્ણ પ્રોજેકટ્સની પહેલથી જિલ્લાના વિકાસનું ચિત્ર બદલાયું છે. આ ઉદ્યોગો દેશના અનેક રાજ્યો સહિત આદિવાસી વિસ્તારોના યુવાઓ માટે ઘરઆંગણે રોજગારીના અવસરો પૂરા પાડી રહ્યા છે. ત્યારે ખમીરવંતી ભરૂચ જિલ્લાની પ્રજા અને દીર્ધદ્રષ્ટીપૂર્ણ નેતૃત્વના સમન્વયથી ભરૂચ જિલ્લો આજે રાજ્યનું ગ્રોથ એન્જીન બન્યો છે. 
ધ્વજવંદન બાદ શાળાના બાળકોએ રંગારંગ સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ અંતર્ગત ગરબા, ગીત, અને યોગ કરતબનું નિદર્શન અને પ્રસ્તુતિ રજૂ કરી હતી. આ તકે જિલ્લા સમાહર્તાની આગેવાનીમાં જિલ્લા સંકલન સમિતિ તરફથી વિદ્યાર્થીઓને પ્રોત્સાહન પૂરું પાડવા તમામ કૃતિઓને પ્રોત્સાહન ઈનામની જાહેરાત કરવામાં આવી હતી.કાર્યક્રમના અંતે.જિલ્લામાં નોંધપાત્ર સિધ્ધી મેળનાર રમતવીરો, પર્યાવરણ પ્રેમીઓ, રમતગમત ક્ષેત્રે ઉત્કૃષ્ટ પ્રદાન કરનારા ખેલાડીઓ, પોલીસ કર્મીઓ, જિલ્લાના શ્રેષ્ઠીઓ તેમજ શ્રેષ્ઠ કામગીરી કરનાર અધિકારીઓ અને કર્મચારીઓનું પણ સન્માન તથા અભિવાદન કરવામાં આવ્યું હતું.આ પ્રસંગે વાલીયા તાલુકા વિસ્તારના વિકાસ માટે ૨૫ લાખનો ચેક ક્લેક્ટરરે તાલુકા વિકાસ અધિકારને અર્પણ કર્યો હતો.
આ સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી નિમિત્તે જિલ્લા પંચાયત પ્રમુખ મહેન્દ્રસિંહ વાંસદીયા,સાંસદ સભ્ય મનસુખ વસાવા,ધારાસભ્યો અરૂણસિંહ રણા, રિતેશ વસાવા,ડી.કે.સ્વામી અને તાલુકા પંચાયત પ્રમુશખ વાલિયા અને જિલ્લા વિકાસ અધિકારી યોગેશ કાપશે,પ્રાયોજના વહીવટદાર નિશા, નિવાસી અધિક કલેકટર એન.આર.ધાંધલ, વાલીયા ગામના સરપંચ, તાલુકા અને જિલ્લાના પધાધિકારીઓ, જિલ્લા આગેવાન, જિલ્લાના ઉચ્ચ અધિકારીઓ અને કર્મચારીઓ, શાળાના બાળકો અને મોટી સંખ્યામાં વાલીયાના નગરજનો ઉપસ્થિત રહ્યા હતા.




