આમોદ,
આમોદ તાલુકા કોંગ્રેસ પ્રમુખની આગેવાની હેઠળ આમોદ તાલુકા કોંગ્રેસના આગેવાનો દ્વારા ગરીબો રેશનકાર્ડ ધારકોના હક્કો સુરક્ષિત રાખવા માટે આજ રોજ આમોદ નાયબ મામલતદારને આવેદનપત્ર આપ્યું હતું.
આવેદનપત્રમાં જણાવ્યું હતું કે NFSA હેઠળના રાશનકાર્ડ ધારકોને આમોદ તાલુકા વહીવટી તંત્ર તરફથી રેશનકાર્ડ ધારકના કુટુંબની તેમજ સભ્યની આવક મર્યાદા જમીન વિગેરે બાબતો સરકારના નક્કી કરેલ ધોરણમાં સમાવેશ થતો ન હોય તે બાબતની પત્ર દ્વારા જાણ કરવામાં આવી હતી અને રેશનકાર્ડ ધારકનો જવાબ માંગવામાં આવ્યો હતો.ત્યારે કૉંગ્રેસી કાર્યકરોની માંગ હતી કે તંત્ર તરફથી ગરીબ આદિવાસી પરિવારોને નોટિસ આપી છે તેમને જીએસટી એટલે શું એ પણ ખબર નથી એમાં ગરીબ આદિવાસી પરિવારને પણ નોટિસ આપેલ છે અને જણાવ્યું હતું કે રાષ્ટ્રિય અન્ન સુરક્ષાના કાયદા હેઠળ દરેક વ્યક્તિને સબસીડી વાળા અનાજનો અધિકાર છે.સંયુક્ત માલિકીની જમીનમાં વ્યક્તિગત હિસ્સા મુજબ ગણવાને ફરજિયાત શરત છે તેથી જમીનમાં દરેક ખાતેદારોનો હિસ્સો અલગ ગણાય તેને કુલ એક સાથે ગણવો ગેરકાયદેસર છે ફક્ત જમીન માલિકીની આધારે રાશનકાર્ડ રદ કરવાની પ્રથા બંધ કરવી જોઈએ અને સામાજિક આર્થિક માપદંડોનો ઉપયોગ કરીને પાત્રતા નક્કી કરવી જોઈએ.
આ બાબતે આમોદ તાલુકા કોંગ્રેસ પ્રમુખ નરેન્દ્ર પટેલ ઉર્ફે કાજીએ જણાવ્યુ હતુ કે જો ગરીબ અને આદિવાસી પરિવારોની અન્ન સુરક્ષા સુરક્ષિત રાખવા તાત્કાલિક કાર્યવાહી નહીં કરવામાં આવે તો આગામી સમયમાં ઉગ્ર આંદોલન કરવામાં આવશે.




