વસાવા માનસીએ પેરા એથ્લેટિક્સમાં રાષ્ટ્રીય કક્ષાએ ત્રણ ગોલ્ડ મેડલ મેળવી ભરૂચ અને ગુજરાતનું ગૌરવ વધાર્યું

SHARE:

– જન્મથી જ પગમાં ખામી હોવા છતાં,માનસીએ તેની અદમ્ય ભાવના અને સખત પરિશ્રમથી આ સિદ્ધિ હાંસલ કરી છે

(વિજય વસાવા,નેત્રંગ)

અડગ મનના મુસાફરને, હિમાલય પણ નથી નડતો. સાહસિકના સાથમાં, સંકટ પણ નથી ટકતો. આ પંક્તિઓનો અર્થને ખરા અર્થમાં સાર્થક કરી છે.ભરૂચ જિલ્લાના નેત્રંગ તાલુકામાં આવેલી કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલય (KGBV), શણકોઈમાં અભ્યાસ કરતી વસાવા માનસીએ જન્મથી જ પગમાં ખામી હોવા છતાં, માનસીએ તેની અદમ્ય ભાવના અને સખત પરિશ્રમથી આ સિદ્ધિ હાંસલ કરી છે.

ભરૂચ જિલ્લાના નેત્રંગ તાલુકામાં આવેલી કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલય (KGBV), શણકોઈમાં અભ્યાસ કરતી વસાવા માનસીબેન કમલેશભાઈએ તાજેતરમાં ગ્વાલિયર ખાતે યોજાયેલ નેશનલ કક્ષાની પેરા એથ્લેટિક્સ સ્પર્ધામાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરી ત્રણ ગોલ્ડ મેડલ મેળવ્યા છે.

શણકોઈ ગામના નાનકડા આદિવાસી પરિવારમાંથી આવતી માનસીબેન વર્ષ ૨૦૨૨માં ધોરણ ૬માં KGBVમાં દાખલ થઈ હતી. માતા પિતા ખેતી સાથે સંકળાયેલા છે. માનસી શરૂઆતથી જ ખૂબ જ ચંચળ અને ઉત્સાહી સ્વભાવની હતી.અને શાળાની દરેક પ્રવૃત્તિમાં ઉત્સાહપૂર્વક ભાગ લેતી હતી. KGBVના સીપીએડ શિક્ષિકા જયાબેને તેની પ્રતિભાને ઓળખી અને તેને રમતોમાં ભાગ લેવા માટે પ્રોત્સાહિત કરી.આ પ્રોત્સાહ અને માર્ગદર્શનને કારણે માનસીના જિવનમાં ઘરમૂળથી ફેરફાર આવ્યો. અને આજે તેનું પરિણામ જોઈ શકાય છે.

માનસીએ શરૂઆતમાં SGFI અને ખેલ મહાકુંભ જેવી સ્પર્ધાઓમાં ભાગ લીધો અને તાલુકા તથા જિલ્લા કક્ષાએ ગોલ્ડ મેડલ મેળવી રાજ્ય કક્ષા સુધી પહોંચી હતી.વર્ષ ૨૦૨૫માં તેના કોચના માર્ગદર્શન હેઠળ તેને પેરા એથ્લેટિક્સમાં ભાગ લેવાનો મોકો મળ્યો હતો.રાજ્ય કક્ષાની સ્પર્ધામાં તેણે ગોળાફેંક અને ચક્રફેંકમાં બે ગોલ્ડ મેડલ જીત્યા હતા.

આ ઉત્કૃષ્ટ પ્રદર્શનને કારણે તેને વધુ અભ્યાસ અને તાલીમ માટે નડિયાદ સ્પોર્ટ્સ એકેડેમીમાં પ્રવેશ મળ્યો. નડિયાદ ખાતેની સઘન તાલીમ બાદ, માનસીએ ગ્વાલિયર ખાતે યોજાયેલ નેશનલ કક્ષાની પેરા એથ્લેટિક્સ સ્પર્ધાના U-17 વિભાગમાં ભાગ લીધો હતો.આ સ્પર્ધામાં તેણે ગોળાફેંક, ચક્રફેંક અને બરછીફેંક ત્રણેય સ્પર્ધાઓમાં ગોલ્ડ મેડલ મેળવી સમગ્ર દેશમાં તેની પ્રતિભાનો પરિચય કરાવ્યો.

માનસીની આ સિદ્ધિ KGBV શણકોઈ સહિત જિલ્લાના અન્ય દીકરીઓ માટે પણ પ્રેરણાદાયક બની રહી છે.આ સિદ્ધિ બદલ જિલ્લા વહીવટીતંત્ર,શિક્ષણ વિભાગ અને વિદ્યાલયના તમામ સ્ટાફ અને વિદ્યાર્થીનીઓએ તેને અભિનંદન પાઠવ્યા હતા.માનસીએ ભરૂચ જિલ્લા, ગુજરાત રાજ્ય અને સમગ્ર દેશનું નામ રોશન કર્યું છે.

BNI News
Author: BNI News

Leave a Comment

error: Content is protected !!