વાગરા,
વાગરા તાલુકાની સાયખા જીઆઈડીસીમાં આવેલી કંસાઇ નેરોલેક કંપનીમાં ગત બુધવારે સવારે લાગેલી ભીષણ આગ માત્ર એક અકસ્માત નહોતી,પરંતુ કંપનીના મેનેજમેન્ટની ગુનાહિત બેદરકારી, વહીવટી તંત્રની નિર્લજ્જ નિષ્ક્રિયતા અને કદાચ પુરાવા નષ્ટ કરવાના સનસનાટીપૂર્ણ ષડયંત્ર તરફ આંગળી ચીંધે છે. ઘટનાની ગંભીરતા જોતા પોલીસે તુરંત કાર્યવાહી હાથધરી હતી.પોલીસે તાત્કાલિક ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી ટીમને સાથે રાખી ઘટના સ્થળના નમૂના લીધા હતા અને જરૂરી કાર્યવાહીને વેગ આપ્યો હતો.આ સાથે ફેક્ટરી ઈન્સ્પેક્ટરે પણ કંપનીને ક્લોઝર નોટિસ ફટકારી હતી.જોકે આ પગલું આગની જ્વાળામાં છુપાયેલા ગંભીર સવાલોને દબાવી શકશે નહીં. આ સમગ્ર ઘટનાનું સૌથી આઘાતજનક અને શંકાસ્પદ પાસું સામાજીક કાર્યકર ઈમ્તિયાઝ પટેલે બહાર પાડ્યું છે.તેમણે સનસનાટીપૂર્ણ આક્ષેપ કર્યો છે કે આગ પર કાબૂ મેળવવા આવેલા ફાયર ફાઈટર્સ અને પોલીસની ટીમને પણ કંપનીના ગેટ પર પ્રોટોકોલના નામે રોકી રાખવામાં આવી હતી! આ પગલું માત્ર વિલંબકારક કે ગેરવહીવટી નથી.પરંતુ ગુનાહિત બેદરકારી અને પુરાવા નષ્ટ કરવાના પ્રયાસ સમાન છે.શા માટે આગ બુઝાવવા આવનાર ટીમને અમૂલ્ય સમય માટે રોકવામાં આવી? શું કંપનીને કોઈ નિર્ણાયક પુરાવાઓને નષ્ટ કરવા હતા? શું આ આગ વીમો પકવવા અથવા અન્ય કોઈ નાણાકીય ગેરલાભ માટેનું સુનિયોજિત ષડયંત્ર હતું? કંપનીનો આ અમાનવીય અને શંકાસ્પદ વ્યવહાર ગંભીર પોલીસ અને ન્યાયિક તપાસ માંગી લે છે.
ભરૂચ ઈન્ડસ્ટ્રીયલ સેફ્ટી એન્ડ હેલ્થ વિભાગના દિનેશ ગામીતના પ્રાથમિક અનુમાન મુજબ થર્મિક ફલુઈડ પ્લાન્ટમાં આવેલા હીટર માંથી ગાસ્કેટ લીકેજ થવાને કારણે ૨૭૦ ડિગ્રી સેલ્સિયસ તાપમાનવાળું ગરમ ઓઈલ બહાર આવ્યું અને ઈન્સ્યુલેશન પર પડતાં આગ લાગી હતી.સવાલ એ છે કે જ્યાં ૨૭૦ ડિગ્રીના તાપમાનનું અતિજ્વલનશીલ પ્રવાહી ફરતું હોય ત્યાં ગાસ્કેટનું લીકેજ થવું એ ગંભીર બેદરકારી નથી તો શું છે? આ ઘટના સ્પષ્ટપણે દર્શાવે છે કે કંપની દ્વારા નિયમિત જાળવણી અને સુરક્ષા ઓડિટના કેવા ધજાગરા ઉડાડવામાં આવ્યા હશે. કંપની માટે કર્મચારીઓની સુરક્ષા અને પ્લાન્ટની સલામતી કરતાં ઉત્પાદનનો આંકડો અને નફો જ સર્વોપરી હતો.જેના પરિણામે આટલી મોટી દુર્ઘટના સર્જાઈ અને આબાદ ૩૦૦ કર્મચારીઓનો જીવ જોખમમાં મુકાયો હતો. કંપનીની બેદરકારી ઉપરાંત આ ઘટનાએ સ્થાનિક વહીવટી તંત્રની નિર્લજ્જ નિષ્ક્રિયતા પણ છતી કરી છે.
વાગરા અને સાયખા GIDCના ખંઢેર અને બિસમાર રસ્તાઓની હાલત એટલી ખરાબ છે કે કટોકટીના સમયે ફાયર ટેન્ડરો પણ સમયસર ઘટના સ્થળે પહોંચી શક્યા નહોતા! GIDC માં રોડ-રસ્તા જેવી પાયાની સુવિધાઓ જાળવવામાં નિષ્ફળ રહેલું વહીવટી તંત્ર પણ આ દુર્ઘટનામાં થયેલા નુકસાન માટે એટલું જ જવાબદાર છે. હવે જરૂર છે કે આ તપાસ માત્ર અકસ્માત પૂરતી સીમિત ન રહે.કંપનીના મેનેજમેન્ટ સામે કડક કાર્યવાહી થવી જોઈએ. અને GIDC ના નબળા માળખા માટે જવાબદાર સ્થાનિક અધિકારીઓ સામે પણ તપાસનો દૌર શરૂ થવો જોઈએ.




