– રાજવી પરિવારની કુળદેવીના દર્શન કરી બાધા આખડી મનોકામના પૂર્ણ કરતા ભક્તો
(જ્યોતિ જગતાપ,રાજપીપલા)
રાજપીપલા ખાતે નવરાત્રી પર્વે 425 વર્ષ પુરાણા પ્રાચીન હરસિદ્ધિના મંદિરે નવરાત્રી પર્વે આરતીમાં ભક્તોનો માનવ મહેરામણ ઉમટ્યો હતો.રાજવી પરિવારની કુળદેવી ગણાતી હરસિદ્ધિ માતાજીના દર્શન કરી બાધાઆખડી મનોકામના પૂર્ણ કરતા ભક્તોએ ધન્યતા અનુભવી હતી.
ઉજ્જૈનથી પધારેલા હરસિદ્ધિ માતા સાક્ષાત પધાર્યા હોવાનો ઇતિહાસ છે.જેમાં રાજા વેરીશાલજી મહારાજે રાજપીપલામાં માં હરિસિદ્ધિના મંદિર બંધાવ્યું હતું.હરસિદ્ધિ મા રાજવી પરિવાર ની કુળદેવી ગણાય છે.અહીં નવ દિવસ સવાર સાંજ આરતીમાં ભક્તોની હકડેઠઠ ભીડ જામે છે.ભક્તો દર્શન કરી માતાજીની બાધા આખડી મનોકામના પૂર્ણ કરે છે.
નવરાત્રીના નવ દિવસ માતાજીની 6 સવારીના દર્શન થાય છે જેમાં હાથીની સવારી, સિંહની સવારી, વાઘની સવારી, કુકડાની સવારી,મયુરની સવારી, ગાયની સવારીના દર્શન થાય છે.અહીં ભક્તોએ આપેલી સાડી શણગાર સાથે મુકવામાં આવે છે. રાજા રજવાડા વખતના કરોડોના સોના ચાંદીના ઘરેણા ટ્રેઝરી માંથી પોલીસ જાપ્તા સાથે નવ દીવસ લાવી માતાજીને ચઢાવાય છે.હિન્દુ દેવસ્થાન કમિટીના મંત્રી સી એમ પટેલે જણાવ્યું હતું કે અહીં નવ દિવસ ત્રણ સમયે સવારે 10, સાંજે 7 અને રાતે 12 વાગે એમ ત્રણ આરતી થાય છે.રાતે 12ની આરતી પછી માતાજીના ગરબા રમાય છે.
રાજવી પરિવાર દ્વારા આસો સુદ નૌમના દિવસે મંદિર પરિસરમાં નવચંડી યજ્ઞ અને હવનનું આયોજન કરવામાં આવતું હતું.જે પરંપરા આજે પણ ચાલી આવે છે.પ્રતિ વર્ષ રાજવી પરિવાર આ યજ્ઞમાં હાજરી આપે છે.સાથો સાથ આ સ્થાનક પર વર્ષોથી યોજાતા ભાતીગળ મેળામાં લોકો મ્હાલવા પણ આવે છે.વિજયા દશમીના દિવસે પરંપરાગત રીતે રાજવી પરિવાર દ્વારા શસ્ત્રપૂજા પણ કરવામાં આવે છે.
અહીં નોમનો ભવ્ય યજ્ઞ થાય છે જેમાં રાજવી પરિવાર જોડાય છે.અહીં નવ દિવસ નવરાત્રીનો ભવ્ય મેળો પણ ભરાય છે.મોડી રાત સુધી મંદિરના પ્રાંગણ માં માતાજીના ગરબા પણ ગવાય છે.







