(જ્યશીલ પટેલ,ઝઘડીયા)
ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકામાં ફરી એકવાર રાત્રીચોરો સક્રિય બન્યા હોવાનું સામે આવ્યું છે.તાલુકાના ઉમલ્લા દુ.વાઘપુરા ગામે એક મકાન માંથી તસ્કરો સોનાચાંદીના દાગીના મળી કુલ રૂપિયા ૧૪૭૦૦૦ નો મુદ્દામાલ ઉઠાવી ગયા હતા.
આ અંગે ઉમલ્લા પોલીસ માંથી મળતી વિગતો મુજબ ઉમલ્લા દુ.વાઘપુરા ગામે રહેતા રાજેશ નવલ વસાવા તા.૨૩ મીના રોજ સવારે નવ વાગ્યાના સમયે તેમના પત્ની સાથે મોટર સાયકલ લઈને વાસણા ગામે ગયા હતા.આ સમય દરમ્યાન તેમના પિતા મજુરીએ ગયા હતા અને તેમના માતા ઘરે હાજર હતા.ત્યાર બાદ સાંજના વરસાદ ચાલુ થઈ જવાથી તે લોકો ધોળાકુવા ખાતે રહેતા સંબંધીને ત્યાં રોકાઈ ગયા હતા.ત્યાર બાદ તા.૨૪ ના રોજ બીજા દિવસે સાંજના સાત વાગ્યાના સમયે ઘરે પાછા ફર્યા હતા.તે લોકો ઘરમાં ગયા ત્યારે રૂમમાં નીચે ઘરેણાની ખાલી ડબ્બીઓ પડેલી દેખાઈ હતી.તેથી તેમણે તેમની માતાને આ બાબતે પુછતા તેમણે આ બાબતે કોઈ ખબર નહિ હોવાનું જણાવ્યું હતું.ત્યાર બાદ તેમણે તિજોરી ખોલીને જોતા તેમાં મુકેલ સોનાની બુટ્ટી,સોનાની વીટી,ચાંદીના સાંકળા,ચાંદીની લકી જેવા દાગીના જણાયા નહતા.આ દરમિયાન તેમના માતા મીઠુબેને જણાવ્યું હતું કે તેઓ સવારે સાડા નવ વાગ્યે નટરાજ સોસાયટીમાં ઘરકામ કરવા ગયા હતા અને બપોરના બાર વાગ્યે ઘરે જમવા આવ્યા ત્યારે ઘરનો પાછળનો જાળીવાળો લોખંડનો દરવાજો થોડો ખુલ્લો હોવાનું જણાયું હતું.તિજોરીમાં રાખેલ સોનાચાંદીના દાગીના શોધવા છતાં મળ્યા નહતા,તેથી કોઈ અજાણ્યા તસ્કરો સવારના નવથી બપોરના સાડા બારના સમય દરમ્યાન ઘરની પાછળનો જાળીવાળો લોખંડનો દરવાજો ખોલી ઘરમાં પ્રવેશીને બેડના ખાનામાં મુકેલ તિજોરીની ચાવીથી તિજોરી ખોલીને તેમાંથી સોનાચાંદીના દાગીના ઉઠાવી ગયા હોવાની ખાતરી થઈ હતી.ચોરીની આ ઘટના સંદર્ભે ચોરીનો ભોગ બનનાર મકાન માલિક રાજેશ વસાવાએ રૂપિયા ૧.૪૭ લાખના સોનાચાંદીના દાગીના ચોરી જનાર અજાણ્યા તસ્કરો વિરુધ્ધ ઉમલ્લા પોલીસમાં ફરિયાદ લખાવી હતી.




