– આમોદ પાલિકાના પ્રમુખ તેમજ મુખ્ય અધિકારી પછાત વિસ્તારમાં ઓરમાયું વર્તન રાખતા હોવાના આક્ષેપ સાથે આરોગ્ય સમિતિનાં ચેરમેને ઉચ્ચકક્ષાએ રજૂઆત કરી
ભરૂચ,
આમોદ નગરપાલિકાના આરોગ્ય સમિતિનાં ચેરમેને પાલિકાના મુખ્ય અધિકારી તેમજ પ્રમુખ સામે પોતાના વિસ્તારના પ્રાથમિક જરૂરિયાતના કામો નહીં થતા હોવાનું જણાવી ઉચ્ચ કક્ષાએ ફરિયાદ કરતા પાલિકા શાસકોના ફફડાટ ફેલાઈ જવા પામ્યો હતો.તેમજ આરોગ્ય સમિતિનાં ચેરમેન તથા તેમના પતિએ પોતાના વિસ્તારમાં આવેલા જીવલેણ ખાડાઓ જાતે પુરાતા હોવાના વીડિયો સોશ્યલ મીડિયા ઉપર વાયરલ થયા હતા.
આમોદ નારપાલિકામાં આવેલા વર્ડ નંબર ૩ માં પછાત વિસ્તારમાં ગુજરાત ગેસ એજન્સી દ્વારા પાઇપ નાખવા માટે થોડા થોડા અંતરે ખાડા કરેલા હતા.જે ચોમાસામાં વધુ ઊંડા પડી જતા જીવલેણ બન્યા હતા.ત્યારે વણકરવાસ,ભીમપુરા રોડ નવીનગરી, રોહિતવાસ, જલારામનગર, આંબેડકરનગર વિસ્તારના રહીશો દ્વારા તેઓને વારવાર ટેલિફોન તેમજ ઘરે આવીને રજૂઆત કરતા હતા.જેથી રસ્મિકાબેન પરમારે ૧૬ મી જાન્યુઆરી ૨૦૨૫ ના રોજ આમોદ નગરપાલિકાને લેખિતમાં રજૂઆત કરી ખાડા પુરવા બાબતે પાલિકાને જણાવ્યું હતું.તેમજ નગરપાલિકા પ્રમુખ જલ્પા પટેલ અને મુખ્ય અધિકારી પંકજ નાયક સાથે વારંવાર ટેલીફોન દ્વારા જાણ કરી હતી.છતાં નવ મહિના વિતવા છતાં હજુ સુધી ખાડા નહીં પુરાતા રાશિમકાબેન પરમારે તેમજ તેમના પતિ દ્વારા મસમોટા અને જીવલેણ બની ગયેલા ખાડા જાતે પુરતા હોવાના વીડિયો સોશ્યલ મિડિયા ઉપર વાયરલ થયા હતા.અત્રે ઉલ્લેખનીય છે કે ગુજરાત ગૅસ એજન્સી દ્વારા નગરપાલિકાને ખાડા પુરવા ૨૨ લાખ રૂપિયા આપ્યા હતા.તેમજ પાલિકામાં રસ્તા રીપેરીંગ તેમજ સરફેસિંગની ગ્રાન્ટ આવી હોવા છતાં ખાડા નહીં પુરાતા આરોગ્ય સમિતિનાં ચેરમેન ધૂંઆપૂંઆ થઈ ગયા હતા.
આ ઉપરાંત સમગ્ર આમોદ નગરમાં ભૂગર્ભ ગટર બનાવવા આવી હોવા છતાં વોર્ડ નંબર ૩ ના વણકરવાસમાં તેમજ આંબેડકર નગરમાં ભૂગર્ભ ગટર નહીં નાખતા તેમણે આમોદ નગરપાલિકાને ૨૧ મી ડિસેમ્બર ૨૦૨૪ ના રોજ લેખિતમાં જણાવ્યું હતું.તેમજ વારંવાર પ્રમુખ જલ્પા પટેલ તેમજ મુખ્ય અધિકારી પંકજ નાયકને જણાવ્યું હોવા છતાં તેઓ પછાત વિસ્તાર પ્રત્યે ઓરમાયું વર્તન રાખી વિકાસના કામોથી વંચિત રાખતા હોવાનો આક્ષેપ કર્યો હતો.અત્રે ઉલ્લેખનીય છે કે તેમણે ભૂગર્ભ ગટર અંગે આમોદ નગરપાલિકા પાસે માહિતી અધિકાર કાયદા અંતર્ગત ૧૭ મી મે ૨૦૨૫ ના રોજ માહિતી માંગી હતી છતાં તેઓને હજુ સુધી માહિતી પણ આપવામાં આવતી નથી.




