ભરૂચ,
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આત્મનિર્ભર ભારતના સંકલ્પ અને મુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષ યોજનાને સાકાર કરવા માટે,જન હિતાર્થ ચેરીટેબલ ટ્રસ્ટ ભરૂચ તથા સખી મંડળની બહેનો દ્વારા દરવર્ષની જેમ આ વર્ષે પણ દિવાળી ઉત્સવ નિમિત્તે સખી મિઠાઈ અને સખી નમકીનના સ્ટોલનો ભરૂચના હાર્દસમા પાંચબત્તી સર્કલ ખાતે આ સ્ટોલનો ઉદ્ઘાટન ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રીના વરદહસ્તે કરવામાં આવ્યું હતું.
આ અવસરે સખી મંડળની બહેનો દ્વારા સંચાલિત સ્ટોલ પર વિવિધ પ્રકારની સ્વાદિષ્ટ મીઠાઈઓ જેમ કે કાજુ કતરી, મોહનથાળ,ડ્રાયફ્રુટ મીઠાઈઓ તેમજ દિવાળીના તહેવારને અનુરૂપ મઠિયા, ચોળાફળી, ચકલી અને અન્ય નમકીન વસ્તુઓનું વેચાણ શરૂ કરવામાં આવ્યું હતું.કાર્યક્રમ દરમ્યાન ભરૂચ નગરપાલિકાના પ્રમુખ વિભૂતિબા યાદવ,સેનેટરી ચેરમેન હેમાલી રાણા,જન હિતાર્થ ચેરીટેબલ ટ્રસ્ટના ઉપપ્રમુખ જીગ્નાસા ગોસ્વામી સહિત ટ્રસ્ટની બહેનો ઉપસ્થિત રહી હતી.
ઉદ્ઘાટન પ્રસંગે ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રીએ બહેનોને શુભકામનાઓ પાઠવી જણાવ્યું હતું કે હર ઘર સ્વદેશી, ઘર ઘર સ્વદેશીના સંકલ્પને સાકાર કરવા માટે લોકો બહેનોના સ્વદેશી ઉત્પાદનોને પ્રોત્સાહન આપે અને તેમની પાસેથી ખરીદી કરીને આત્મનિર્ભર ભારતના દિશામાં યોગદાન આપે.
આ સ્ટોલ આવનાર દિવાળીના દિવસ સુધી ખુલ્લો રહેશે, જેથી સ્થાનિક નાગરિકો સ્વદેશી સ્વાદ સાથે દિવાળીની ઉજવણી કરી શકે.







