ભરૂચ,
સમગ્ર ગુજરાતમાં વરસેલા કમોસમી વરસાદના કારણે ખેડૂતોનો ઊભો પાક ધોવાઈ ગયો હતો.જેથી ખેડૂતો પાયમાલ થઈ જતા આમોદ તાલુકા કોંગ્રેસે ખેડૂતોને સર્મથન કરી પાક નુક્શાનીનો સર્વે કરી તાત્કાલિક ખેડૂતો માટે વિશેષ રાહત પેકેજ તેમજ પાક ધિરાણ માફ કરવા માંગ કરી હતી.
ભરૂચ જીલ્લા કોંગ્રેસ પ્રમુખ રાજેન્દ્રસિંહ રણાના અધ્યક્ષ સ્થાને આજરોજ સવારે આમોદ તાલુકા કોંગ્રેસ પ્રમુખ નરેન્દ્ર પટેલ ઉર્ફે કાજી સહિત કૉંગ્રેસી કાર્યકરોએ આમોદ મામલતદાર કચેરી પાસે ધરણા પ્રદર્શન કર્યું હતું.પરંતુ તંત્રે ધરણા કરવાની પરવાનગી નહીં આપતા પોલીસે ધરણા પ્રદર્શન નિષ્ફળ બનાવી કૉંગ્રેસી કાર્યકરોની અટકાયત કરી હતી.તેમજ ભરૂચ જીલ્લા કોંગ્રેસ પ્રમુખ રાજેન્દ્રસિંહ રણા,આમોદ તાલુકા કોંગ્રેસ પ્રમુખ નરેન્દ્ર પટેલ ઉર્ફે કાજી,કૉંગ્રેસી આગેવાન મહેબૂબ કાકુજી સહિતના લોકોએ આમોદ મામલતદાર ડૉ.મયુર વરીયાને આવેદનપત્ર આપી ગુજરાત ભરમાં થયેલા સાર્વત્રિક કમોસમી વરસાદને કારણે ખેડૂતોના મગફળી,ડાંગર,કપાસ સહિતના ખરીફ પાકોને મોટું નુકશાન થયું હોય રાહત પેકેજ આપવા માંગ કરી હતી.આ ઉપરાંત વર્તમાન સરકાર ઉપર આક્ષેપ કરતા જણાવ્યું હતું કે સરકારે ખેડૂતોને પાયમાલ કરવાનું જાણે મન બનાવી લીધું હોય તે રીતે ગુજરાતમાં છેલ્લી સાત સીઝનમાં વાવાઝોડા, અતિવૃષ્ટિ કે કમોસમી વરસાદના ભોગ બનેલા ખેડૂતને રાહત પેકેજના નામે માત્ર જાહેરાત કરીને સંતોષ માની લીધો છે.વાસ્તવમાં ખેડૂતો માટે થયેલી જાહેરાત મુજબ ૩૦ થી ૩૫ ટકા રકમ પણ ખેડૂતોને ચુકવવામાં આવતી નથી.અત્યારે કમોસમી વરસાદે ખેડૂતોની કમ્મર તોડી નાખી છે.ત્યારે ખેડૂતો પાક ધિરાણ પણ ભરી શકે તેમ નથી તેમજ આવનાર સિયાળુ સિઝન માટે વાવેતર કરવા માટે બિયારણ, ખાતર લેવાના પણ રૂપિયા ખેડૂતો પાસે નથી ત્યારે રાજ્ય સરકારે જેમ UPA સરકારમાં ખેડૂતોના ૭૮૦૦૦ કરોડના દેવા માફ કર્યા હતા તેવી જ રીતે ગુજરાતના ખેડૂતોના દેવા સંપૂર્ણપણે માફ કરવાની માંગ કરી હતી.વધુમાં જણાવ્યું હતું કે ૨૦૨૦ થી ગુજરાતમાં પાક વીમા યોજના બંધ છે ને આખા ભારતમાં આ યોજના ચાલુ છે તો ગુજરાતમા પાકવીમા યોજના તાત્કાલિક ચાલુ કરવામાં આવે અને તાત્કાલિક નુકસાનીના વળતર માટે વિશેષ રાહત પેકેજ આપવાની માંગ કરી હતી.આમોદ તાલુકા કોંગ્રેસ પ્રમુખ નરેન્દ્ર પટેલ ઉર્ફે કાજીએ જણાવ્યું હતું કે જો ચાલુ સાલનું ખેડૂતોનું પાક ધિરાણ માફ નહીં કરવામાં આવે તો ખેડૂતો સાથે મામલતદાર કચેરીનો ઘેરાવો કરવામાં આવશે.




