– રેતી ભરેલ ભારે વાહનોના કારણે રસ્તો બિસ્માર બનતો હોવાના આક્ષેપ સાથે ખેડૂતો દ્વારા રસ્તો દુરસ્ત કરવા માંગ કરવામાં આવી
(જ્યશીલ પટેલ,ઝઘડીયા)
ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના વડિયા તળાવથી માલસર નજીકના માધવસેતુ બ્રિજ સુધીના બિસ્માર રસ્તાને તાકીદે દુરસ્ત કરવામાં આવે તેવી માંગ સાથે ખેડૂતો દ્વારા પ્રતિક ઉપવાસ કરવામાં આવ્યા છે.ઉલ્લેખનીય છે કે ઝઘડિયા તાલુકાના ઉમલ્લા નજીકના વડિયા તળાવથી માલસર નજીક નર્મદા નદી પર બનાવવામાં આવેલ નવનિર્મિત માધવસેતુ બ્રિજ સુધીનો રસ્તો બિસ્માર હાઈ લોકોને ભારે હાલાકી ભોગવવી પડે છે.આ પુલ બનતા ઝઘડિયા,નેત્રંગ પંથકના તેમજ નર્મદા જિલ્લાના આ પંથકના લોકો માટે ડભોઇ વડોદરા તરફ જવાનો એક ટુંકો રૂટ પ્રાપ્ત થયો છે.પરંતું બ્રિજથી વડિયા તળાવ સુધીનો રોડ પાછલા લાંબા સમયથી બિસ્માર હાલત માં છે. રસ્તા માટેની જમીનની રકમની ચુકવણી ખેડૂતોને મળેલ નથી એવા આક્ષેપ સાથે વધુમાં જણાવાયું હતું કે રસ્તા માટે જમીન સંપાદન કરવાની હોય જે પ્રોસેસ માધવસેતુ બ્રિજ નિર્માણ થતો હતો.ત્યારે કરવાનો હતો.સરકાર દ્વારા કરોડો રૂપિયાનો ખર્ચ કરીને લોકોની સુખાકારી માટે આ સ્થળે નર્મદા નદી પર બ્રિજ બનાવાયો છે,પરંતું પુલને જોડતો માર્ગ બિસ્માર હોઈ લોકોને પુલની સુવિધાનો સઘન લાભ મળતો નથી.આ રસ્તા અંગે વરાછાના સરપંચ દ્વારા વારંવાર રજુઆત કરવામાં આવી હોવા છતાં પ્રજાને પડતી તકલીફ બાબતે કોઈ ઉકેલ આવ્યો નથી એમ જણાવાયું હતું.આ રસ્તા પર નર્મદા જિલ્લામાં વરાછા નજીક તેમજ ઝઘડિયા તાલુકાના વડિયા તળાવ પાસે રેતીના સ્ટોકની પરમિશન આપવામાં આવી છે.
ઉપરાંત મોટા જથ્થામાં રેતી ભરેલ વાહનોની મોટી અવરજવર રહેતી હોવાથી રસ્તો બિસ્માર બન્યો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો.વળી આ રસ્તો ઓછી ક્ષમતાવાળો હોઈ રેતીના સ્ટોકની પરવાનગી ના આપી શકાય એમ જણાવાયું હતું. રેતીના સ્ટોક આધારિત વાહનો ચોમાસા દરમ્યાન ચાલવાથી ઉમલ્લાથી રાજપારડી વચ્ચેનો સ્ટેચ્યુ ઓફ યુનિટીને રસ્તો પણ બિસ્માર બને છે.આને માટે નર્મદા અને ભરૂચ જિલ્લાના જવાબદાર અધિકારીઓ સાથે રેતીના સ્ટોકના માલિકોની મિલીભગત હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો.આ જવાબદારી પોલીસ,આરટીઓ તેમજ ચુંટાયેલા લોક પ્રતિનિધિઓની હોવાનું જણાવાયું હતું.રસ્તાની વ્યવસ્થિત સુવિધાના અભાવે આમ જનતાને તો તકલીફ પડે જ છે અને સાથોસાથ ખેડૂતોને પણ ખેતીના પકવેલ માલને લાવવા લઈ જવામાં તકલીફ પડે છે.વળી બિસ્માર રસ્તાને લઇને લોકોને આરોગ્યની સુવિધા મેળવવામાં પણ અડચણ પડતી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો.જાહેરનામાનો ભંગ કરી દોડતા વાહનો ઝડપાય તે માટે વડિયા તળાવ પાસે સીસી ટીવી કેમેરા મુકવાની પણ માંગ કરવામાં આવી હતી.વળી રેતીની લીઝો દ્વારા વન સંરક્ષણ વિભાગનો દાખલો જરૂરી હોવા છતાં તે લેવાય છે કે કેમ તેની પણ યોગ્ય તપાસ કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી.રસ્તાઓ તુટવાનું મુખ્ય કારણ ગેરકાયદેસર રેતીની લીઝો અને ગેરકાયદેસર રીતે રેત વહન કરતા વાહનો હોવાનું જણાવી ખેડૂતોએ રાજ્યના મુખ્યમંત્રી,સાંસદ, ધારાસભ્ય,જિલ્લા કલેક્ટર,માર્ગ અને મકાન વિભાગ સહિત સંબંધિત અધિકારીઓને લેખિતમાં રજુઆત કરીને બિસ્માર રસ્તાના મુદ્દે પ્રતિક ઉપવાસ આદર્યા હતા.અત્રે ઉલ્લેખનીય છે કે ગ્રામજનો પ્રતિક ઉપવાસ પર બેઠા હોય વહીવટી તંત્ર માંથી કોઈ તેની બહાર કાઢવા પણ ગયું નથી કે તંત્ર દ્વારા કોઈ રોજ કામ કરવામાં આવ્યું નથી તેમ ગામના આગેવાનોએ જણાવ્યું હતું.
વડીયા તળાવથી માધવ સેતું બ્રિજનો આ માર્ગ એટલી હદે બિસ્માર છે કે વીસ ફૂટ લાંબા અને બે ત્રણ ફૂટ ઊંડા ખાડા પડી ગયા છે, જેના કારણે એસટી બસ પણ અહીંયા થી માંડ પસાર થાય છે, કેટલીક વખત તો એસટી બસના મુસાફરોએ આ ખાડામાં બસ ઉતર્યા પછી બસમાંથી નીચે ઉતરી થોડું અંતર પગપાળા જવું પડે છે ત્યારે એસટી બસ માંડ ખાડા માંથી પસાર થયા બાદ ફરીથી મુસાફરો બસમાં બેસી શકે છે એટલી હદે આ માર્ગ બીસ્માર છે.




