– ઠંડીના ચમકારા સાથે તસ્કરોનો પગપેસારો
દીવી ગામે બંધ મકાન માંથી સોના-ચાંદીના દાગીના અને રોકડની ચોરી કરી
– ગામની દુકાનમાં લાગેલ સીસીટીવમાં તસ્કરો કેદ થતા શહેર બી ડિવિઝન પોલીસે તપાસ હાથધરી
ભરૂચ,
અંકલેશ્વર પંથકમાં ઠંડીના ચમકારા સાથે તસ્કરો પગપેસારો કરી શહેરને અડીને આવેલ નવી દીવી ગામે બંધ મકાનમાં માત્ર ૨૦ મિનિટ માં જ ખેલ પાડી સોના -ચાંદીના દાગીના અને રોકડ પર હાથફેરો કરી પલાયન થયા હતા જોકે ગામની એક દુકાનમાં લાગેલ સીસીટીવમાં તેઓની અવરજવર કેદ થતા પોલીસે સીસીટીવી મેળવી તપાસ હાથધરી હતી.
પ્રાપ્ત માહિતી અનુસાર શહેરને અડીને આવેલ નવી દીવી ગામ ખાતે આવેલ વિક્રમ ફળિયામાં રહેતા કુણાલ દશરથ વસાવા પોતાનું ઘર બંધ કરી સ્વજનના શુભ પ્રસંગમાં બહાર ગયા હતા.તે દરમ્યાન રાત્રીના ૪ વાગ્યા બાદના અરસામા એક બાઈક પર આવેલા ત્રણ તસ્કરોએ તેમના બંધ મકાનને નિશાન બનાવ્યું હતું અને નકુચા તોડી ઘરમાં પ્રવેશી ઘરના કબાટ તેમજ તિજોરી તોડી અંદરથી સોના-ચાંદીના દાગીના અને રોકડ ચોરી કરી હતી.આ દરમ્યાન શ્વાનનું ભસવાનું વધતા કુણાલ દશરથ વસાવાના ઘર સામે જુના મકાનમાં રહેતા તેમના માતા જાગી ગયા હતા અને તેઓ દરવાજો ખોલી બહાર આવતા જ તેમના પુત્ર કુણાલના ઘર માંથી ૩ અજાણ્યા ઈસમો દાદર ઉતરી ભાગતા નજરે પડ્યા હતા.તેઓ ત્વરિત અસરથી પોતાના મોટા પુત્રને બોલાવી બહાર આવ્યા હતા.જો કે તસ્કરો બાઈક લઈ પલાયન થઈ ગયા હતા.ઘટના અંગે માતા દ્વારા કુણાલ વસાવાને જાણ કરતા તેઓ પરત ઘરે દોડી આવ્યા હતા અને ઘરમાં જોતા સામાન વેર વિખેર પડ્યો હતો અને ઘર માંથી સોના-ચાંદીના દાગીના અને રોકડ ગાયબ હતી.ઘટના અંગે અંકલેશ્વર બી ડિવિઝન પોલીસ મથકે જાણ કરતા પોલીસ કાફલો સ્થળ પર દોડી આવ્યો હતો અને સ્થળ તપાસ કરી ગુનો નોંધવાની તજવીજ શરુ કરી હતી.આ દરમ્યાન ગામમાં આવેલ એક દુકાનના સીસીટીવીમાં ૪:૧૫ વાગ્યાના અરસામાં એક બાઈક પર ત્રણ ઈસમ આવતા અને ૪:૩૫ વાગ્યાના અરસામાં અન્ય ગલી માંથી પલાયન થયા હતા.પોલીસે હાલ તો સીસીટીવી ફૂટેજના આધારે પ્રાથમિક તપાસ શરુ કરી તસ્કરોને ઝડપી પાડવાની કવાયત હાથધરી છે.




