નાંદોદના ધારાસભ્ય દર્શનાબેન દેશમુખની બદનક્ષીની ચીમકી બાદ ભરૂચના સાંસદ મનસુખ વસાવાનો વળતો પ્રહાર

SHARE:

કોઈ ભ્રષ્ટાચારીઓને બચાવવા અથવા પાયા વિહોણા તેમણે આક્ષેપો કર્યા છે : મનસુખ વસાવા

જ્યાં સાચી વાત બોલવાની હોય છે ત્યાં સાચું બોલું છું : મનસુખ વસાવા

ચૈતર વસાવા બે ફામ બોલે છે તો દર્શના બેને કોઈ તેને જવાબ કેમ નથી આપ્યો : મનસુખ વસાવા

ભરૂચ,

ભરૂચના સાંસદ મનસુખ વસાવા અને નર્મદા જિલ્લાના ભાજપના જ મહિલા ધારાસભ્ય ડો.દર્શના દેશમુખ વચ્ચે શાબ્દિક યુદ્ધથી રાજકીય માહોલ ગરમાયો છે.નર્મદા જિલ્લામાં યોજાયેલી પત્રકાર પરિષદમાં નાંદોદના ડો.દર્શના દેશમુખે સાંસદ મનસુખ વસાવા પર ગંભીર આક્ષેપો કર્યા હતા.ત્યારે ડૉ.દર્શના દેશમુખની બદનક્ષીની ચીમકી બાદ સાંસદનો વળતો પ્રહાર કર્યો છે.

નર્મદા જિલ્લાના બે ભાજપના આગેવાનો એવા સાંસદ મનસુખ વસાવા અને નાંદોદના ધારાસભ્ય દર્શના દેશમુખ વચ્ચે છેલ્લા કેટલાક દિવસોથી ભ્રષ્ટાચારના મુદ્દે આક્ષેપ પ્રતિઆક્ષેપ થઈ રહ્યા છે.ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ યોજેલી પ્રેસ કોન્ફરન્સમાં નર્મદા જિલ્લાના રાજકીય નેતાઓ અને વહીવટી તંત્રમાં મોટા પાયે ભ્રષ્ટાચાર થતો હોવાનો આક્ષેપ કર્યો હતો,પરંતુ કોઈ પણ ભ્રષ્ટ નેતાનું નામ જાહેર કરવામાં આવ્યું ન હતું.તેમનો આરોપ છે કે આ પ્રેસ કોન્ફરન્સમાં આડકતરી રીતે આમ આદમી પાર્ટીના ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા સાથે તેમની સાંઠગાંઠ હોવાનો સંકેત આપવામાં આવ્યો હતો,જેના માધ્યમથી તેમને બદનામ કરવાનો પ્રયાસ થયો છે.આ સાથે જ ડૉ.દર્શના દેશમુખે સાંસદ સામે માનહાનીનો કેસ દાખલ કરવાની ચીમકી પણ ઉચ્ચારી હતી.આ નિવેદનો બાદ નર્મદા-ભરૂચ જિલ્લાના રાજકીય માહોલમાં ગરમાવો ફેલાઈ ગયો છે.

આ મામલે આજે દિલ્હીથી ભરૂચ પહોંચેલા સાંસદ મનસુખ વસાવાએ ભરૂચના ભોલાવ રેસ્ટ હાઉસ ખાતે પત્રકારો સાથે વાતચીત કરી ડૉ.દર્શના દેશમુખ અને ચૈતર વસાવા પર પ્રત્યાઘાત કર્યો હતો.સાંસદ મનસુખ વસાવાએ જણાવ્યું હતું કે,કેવડીયા કોલોની ખાતે યોજાયેલી એકતા પરેડ દરમિયાન દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની હાજરીને લઈ થયેલી બેઠકમાં આમ આદમી પાર્ટીના ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાએ અધિકારીઓ પર ખર્ચ મુદ્દે દબાણ કર્યું હતું.

ત્યારે નર્મદા જિલ્લાના ધારાસભ્ય ડૉ.દર્શના દેશમુખ એક દમ મોન રહ્યા હતા.વધુમાં તેમણે આરોપ લગાવ્યો કે,આમ આદમી પાર્ટીના એક નેતાએ એક અધિકારી પાસે ૭૫ લાખની માંગ કરી સમગ્ર મામલો દબાવી દેવાની વાત કરી હતી.આ ઘટનાને પગલે જ પોતે નર્મદા જિલ્લામાં પત્રકાર પરિષદ યોજીને જવાબ આપ્યો હોવાનું મનસુખ વસાવાએ જણાવ્યું હતું.

ડો.દર્શના દેશમુખ અંગે તેમણે કહ્યું કે, “તેમણે આક્ષેપ કરીને પોતાના જ પગ પર કુહાડો માર્યો છે.જો કોઈ મનદુઃખ હતું તો મને સીધું કહેવું જોઈએ હતું અથવા પાર્ટી ફોરમમાં રજૂઆત કરવી જોઈએ હતી, પરંતુ તેમણે જાહેરમાં મારા પર આરોપો લગાવ્યા છે. બંનેને કોઈ પ્રકારનો ડર લાગ્યો છે એટલે મારી સામે આક્ષેપો કરવામાં આવી રહ્યા છે.”

એક જ પક્ષના ધારાસભ્ય અને સાંસદ એકબીજા સામે ખુલ્લેઆમ આરોપ-પ્રત્યારોપ કરતા રાજકીય વાતાવરણ વધુ તણાવપૂર્ણ બન્યું છે.ત્યારે આગામી દિવસોમાં આ વિવાદ કઈ દિશા પકડે છે તે તરફ રાજકીય વર્તુળોની નજર મંડાઈ છે.તો સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં આ વિવાદને લઈને ભાજપને કેટલું નુકશાન થાય છે તે જોવું રહ્યું.

BNI News
Author: BNI News

Leave a Comment

सबसे ज्यादा पड़ गई
error: Content is protected !!