– બ્યુટીપાર્લર,ઘરકામ સહિતની નોકરીની લાલચ આપી યુવતિઓને ભોળવી : બાંગ્લાદેશી એજન્ટ મળી ૪ લોકોની અટકાયત
– એલસીબી તેમજ એસઓજીની ટીમ બાંગ્લાદેશી ઘુસણખોરોને શોધતી હતી અને કૌભાંડ ઝડપાયું
ભરૂચ,
ભરૂચ પોલીસની એલસીબી અને એસઓજી શાખાએ સંયુક્ત ઓપરેશન હાથ ધરી ભરૂચ જિલ્લામાં ચાલતા આંતરરાષ્ટ્રીય દેહવ્યાપારનું કૌભાંડ ઝડપી પાડયું છે.ભરૂચ-અંકલેશ્વરમાં સ્પાની આડમાં બાંગ્લાદેશ તેમજ પશ્ચિમ બંગાળની યુવતિઓ પાસે દેહવિક્રિયતાનો વ્યવસાય કરાવવામાં આવતો હોવાનો ઘટસ્ફોટ થયો છે. એલસીબી-એસઓજીની ટીમે ૧૨ બાંગ્લાદેશી અને ૨ પશ્ચિમ બંગાળની યુવતિને બચાવી હતી.
ભરૂચ એલસીબી તેમજ એસઓજીની ટીમો દ્વારા શહેર જિલ્લામાં ગેરકાયદે વસવાટ કરતાં બાંગ્લાદેશીઓને પકડવા માટેની ઝુંબેશ હાથ ધરી હતી.દરમ્યાન એલસીબી પીઆઈ મનિષ વાળાને ચોક્કસ બાતમી મળી હતી કે ભરૂચની જંબુસર બાયપાસ ચોકડી નજીક આવેલી અલફારૂક પાર્ક સોસાયટીમાં રહેતો ફારુક શેખ નામનો બાંગ્લાદેશી એજન્ટ ગરીબ અને મજબુર બાંગ્લાદેશી યુવતિઓને લઈ આવી તેમને ભારતમાં ઘરકામ,બ્યુટીપાર્લરમાં નોકરી અપાવવાની લાલચ આપી તેમના થકી આંતરરાજ્ય કૂટણખાના ચલાવે છે.જેથી એલસીબી પીઆઈ મનિષ વાળાએ એસઓજીની ટીમને પણ સાથે રાખી સંયુક્ત ઓપરેશન હાથધર્યું હતું.ટીમોએ તેના ઘરે દરોડો પાડતાં ફારૂક શેખ તેમજ ૪ બાંગ્લાદેશી મહિલાઓ મળી આવી હતી.
પ્રાથમિક પુછપરછમાં તેણે અન્ય ૧૦ મહિલાઓને દેહવ્યાપાર માટે ભરૂચમાં આવેલાં નાઝીમખાનના મુસ્કાન સ્પા, મંગલબજાર સ્થિત રઈશ શેખના સામાન્ય ગેસ્ટ હાઉસ તથા અંક્લેશ્વરમાં સુજીતકુમારના ગોલ્ડન સ્પામાં મોકલી છે.જેથી ટીમે ત્રણેય સ્પા પર દરોડો પાડી ત્રણેય સંચાલકોની ધરપકડ કરી ૧૦ યુવતીઓને બચાવી હતી. એલસીબી એસઓજીની ટીમે ૧૨ બાંગ્લાદેશી તેમજ ૨ પશ્ચિમ બંગાળની એમ કુલ ૧૪ યુવતિઓને બચાવી ઝડપાયેલાં આરોપીઓ પાસેથી કુલ ૬૫ હજારના ૫ મોબાઈલ અને મહિલાઓના બાંગ્લાદેશ નેશનલ આઈડી કાર્ડની ૪ નકલ સહિતનો મુદ્દામાલ જપ્ત કરી તમામ આરોપી વિરુદ્ધ પી ઈમોરલ ટ્રાફિક પ્રિવેન્સન એકટ ૧૯૫૬ તેમજ ઈમીગ્રીશન એન્ડ ફોરેનર્સ એક્ટ ૨૦૨૫ અને ભારતીય ન્યાય સંહિતા ૨૦૨૩ની કલમો હેઠળ ગુનો નોંધી આગળની તપાસ શરૂ કરી છે.
એલસીબી તેમજ એસઓજીની ટીમે સંયુક્ત રીતે ઓપરેશન પાર પાડી કુલ ૧૨ બાંગ્લાદેશી મહિલાઓને બચાવી હતી. ઝડપાયેલી બાંગ્લાદેશી મહિલાઓની વિગતો એકત્ર કરી તેમના પરિવારજનો સાથે સંપર્ક કરી તેમને તેમના વતન પરત મોકલવા માટેની કવાયત હાથ ધરવામાં આવશે. જોકે, તે પહેલાં તેઓ ક્યાંથી કેવી રીતે આવ્યા તે સહિત તેમનો ભારતમાં ગેરકાયદે પ્રવેશ કરવાનો ઈરાદો અન્ય કોઈ હતો કે નહીં તેની પણ વિગતે મેળવવાની કવાય હાથ ધરાઈ છે.
ભરૂચ પોલીસે દબોચેલાં બાંગ્લાદેશી એજન્ટ ફારૂક શેખે પ્રાથમિક પુછપરછમાં જણાવ્યું હતું કે, તે પોતે મુળ બાંગ્લાદેશનો છે. તેણે પશ્ચિમ બંગાળમાં ગેરકાયદે પ્રવેશ કરી પોતાનો જન્મનો ખોટો દાખલો બનાવી છેલ્લા ૧૦ વર્ષથી તે ગુજરાતમાં અલગ અલગ જગ્યાએ રહેતો હતો.તેણે કબુલ્યું હતું કે તેના સગાસંબંધીઓ તેમજ ઓળખીતા તેમજ બાંગ્લાદેશ બોર્ડર પર ફરતાં એજન્ટ મારફતે તે બાંગ્લાદેશી મહિલાઓને (ભારતમાં ધરકામ બ્યુટીપાર્લરમાં નોકરી આપવાની લાલચ આપી તેઓને ગેરકાયદે ભારતમાં લાવી તેમની પાસે દેહવિક્રિયનો વ્યવસાય કરાવે છે.
આતરરાજય દેહવ્યાપારના રેકેટના મુખ્ય સુત્રધાર કારૂખ શેખે જણાવ્યું હતું કે, તેણે અત્યાર સુધીમાં ૬૦ જેટલી બાંગ્લાદેશી યુવતિઓને ભારતમાં લાવી છે. હાલમાં પોલીસે બચાવેલી ૧૨ બાંગ્લાદેશી યુવતિઓ સિવાયની અન્ય યુવતિઓને ગોવા, મહારાષ્ટ્ર તેમજ રાજસ્થાન સહિત અન્ય રાજ્યોમાં તેના અન્ય એજન્ટોને મોકલી આપી છે. ત્યારે ભરૂચ પોલીસે તે યુવતિઓને પણ બચાવવા માટે જે તે રાજ્યની પોલીસની સહાયતાથી તેમને શોધવાની કવાયત હાથધરી છે.




