– ૧૩૦૦ થી વધુ મતદારોના નામ કમી કરવાની ભાજપના નેતાઓની કરતૂત સામે કોંગ્રેસ લાલઘૂમ
ભરૂચ,
આમોદમાં મતદાર યાદી સુધારણા કાર્યક્રમ દરમિયાન આશરે ૧૩૦૦ થી વધુ મુસ્લિમ મતદારોના નામ કમી કરવાની ભાજપના નેતાઓની કરતૂત સામે કોંગ્રેસે વિરોધ નોંધાવ્યો હતો.ભરૂચ જીલ્લા કોંગ્રેસ પ્રમુખ રાજેન્દ્રસિંહ રાણાની આગેવાની હેઠળ આમોદ નાયબ મામલતદારને આવેદનપત્ર આપી ભાજપના નેતાઓ સામે કાયદાકીય કાર્યવાહી કરવાની માંગ કરી હતી.જેથી આમોદના રાજકારણમાં કડકડતી ઠંડીમાં ગરમાવો આવી ગયો હતો.ભાજપના આગેવાનોએ ફોર્મ નં.૭ ભરીને મોટા પાયે વાંધા અરજીઓ રજૂ કરાતા કોંગ્રેસે કડક વિરોધ નોંધાવ્યો હતો.કોંગ્રેસ દ્વારા રજૂ કરાયેલા આવેદનપત્રમાં આક્ષેપ કરવામાં આવ્યો હતો કે રાજકીય પક્ષના ઈશારે ખાસ કરીને મુસ્લિમ સમાજને નિશાન બનાવીને ગેરકાયદેસર રીતે વાંધા અરજીઓ કરવામાં આવી છે.જે મતદારો સામે વાંધા ઉઠાવવામાં આવ્યા છે તેઓ વર્ષોથી આમોદમાં કાયમી વસવાટ કરી રહ્યા છે અને તેમની પાસે ચૂંટણી પંચ દ્વારા માંગવામાં આવતા તમામ જરૂરી દસ્તાવેજો ઉપલબ્ધ છે.તેમ છતાં કોઈ મજબૂત કારણ કે દસ્તાવેજી પુરાવા વિના વાંધા ઉઠાવીને મુસ્લિમ મતદારોનો મતાધિકાર છીનવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે,જે લોકશાહી અને બંધારણીય અધિકારો પર સીધી અસર કરે છે.
આવેદનપત્રમાં વધુમાં જણાવાયું છે કે, બી.એલ.ઓ. દ્વારા અગાઉ સ્થળ પર જઈ તપાસ કરી ફોટોગ્રાફ્સ અને જરૂરી પુરાવાઓ એકત્ર કરવામાં આવ્યા હતા.તેમ છતાં રાજકીય કિન્નાખોરીના કારણે નિર્દોષ મતદારોને હેરાન કરવામાં આવી રહ્યા હોવાનું કોંગ્રેસે આક્ષેપ કર્યો છે.જો ખોટી રીતે કોઈ પણ મતદારનું નામ યાદી માંથી કમી કરવામાં આવશે, તો આ મામલે સુપ્રીમ કોર્ટ સુધી કાયદાકીય લડત લડવાની ચીમકી પણ આપવામાં આવી હતી.




