ભરૂચ,
આમોદ પંથકમાં પાવરગ્રીડ કંપનીએ માનસંગપુરામાં ખેડૂતને વળતર આપ્યા વગર ખેડૂતની માલિકીના ખેતરમાં હાઈ ટેન્શન ટાવરો નાખવાનું શરૂ કરવામાં આવતા ખેડૂતોમાં રોષ ભભૂકી ઉઠ્યો છે.
આમોદ તાલુકાના માનસંગપુરા ગામના રાજેશ બાલુભાઈ વસાવાના ખેતરમાં પાવરગ્રીડ કંપનીના કોન્ટ્રાક્ટના માણસોએ ખેતરમાં ગેરકાયદેસર પ્રવેશ કરી ખેતરમાં ઉભો પાક નાશ કરી ખોદકામ કરી દીધું હતું.જેથી ખેતરમાં વાવેલા કપાસ,ઘઉં તેમજ તુવેરના પાકને વ્યાપક નુકશાન થયું હતું.જે બાબતે ખેડૂતે કંપનીના કોન્ટ્રાક્ટના માણસોને પોતાના ખેતરમાં ખોદકામ કરવાની ના પાડતા ખેડૂતને મામલતદાર કચેરી તેમજ કલેકટર કચેરીએ ધક્કા ખવડાવવાની ધમકી આપવામાં આવી હતી.જેથી પાવરગ્રીડ કંપનીની આ દમનકારી નીતિ સામે ખેડૂતોમાં ભારોભાર રોષ જોવા મળ્યો હતો.અત્રે ઉલ્લેખનીય છે કે પાવરગ્રીડ કંપનીની દમનકારી નીતિ સામે ખેડૂતોએ આમોદ મામલતદારને બબ્બે વખત આવેદનપત્ર આપી વિરોધ નોંધાવ્યો હોવા છતાં કંપની દ્વારા ખેડૂતોના મહામૂલા ઊભા પાકનો નાશ કરી હાઈ ટેન્શન ટાવર ઊભો કરવાની કામગીરી શરૂ કરી હતી.ત્યારે આમોદ વહીવટી તંત્ર વહેલી તકે પાવરગ્રીડ કંપની સામે કાર્યવાહી કરી ખેડૂઓને ન્યાય અપાવે તેવી માંગ ઉઠવા પામી છે.




