– સમયસર વેરો નહીં ભરનાર રહેણાંક વિસ્તારના નળ કનેક્શન કાપવા સહિત કોમર્શિયલ મિલ્કતને સીલ કરવા કાર્યવાહી
ભરૂચ,
ભરૂચ નગરપાલિકાએ મિલ્કત વેરાની વસૂલાતની કામગીરી ઝડપી બનાવી છે.વેરો બાકી ધરાવતા ૮,૨૮૦ મિલ્કત ધારકોને પાલિકા દ્વારા નોટિસો પાઠવવામાં આવી છે.નોટિસમાં સ્પષ્ટ જણાવાયું છે કે જો બાકીદારો ૩૧મી માર્ચ પહેલાં વેરો જમા નહીં કરાવે તો ૧૮ ટકા પેનલ્ટી સાથે બાકી રકમની વસૂલાત કરવામાં આવનાર છે.
ભરૂચ નગરપાલિકાએ વર્ષ ૨૦૨૫-૨૬ માટે મિલ્કત વેરા પેટે રૂપિયા ૧૭.૧૬ કરોડનો લક્ષ્યાંક નિર્ધારિત કર્યો છે.ત્યારે અત્યાર સુધીમાં રૂપિયા ૧૨.૧૯ કરોડની વસૂલાત થઈ ચૂકી છે જ્યારે રૂપિયા ૪.૯૩ કરોડનો વેરો હજુ મિલ્કત ધારકો દ્વારા ભરપાઈ નહીં કરવામાં આવતા બાકી છે.જેથી હાલ લક્ષ્યાંક સામે ૭૧.૦૫ ટકા વસૂલાત પૂર્ણ થઈ છે અને આશરે ૨૯ ટકા વસૂલાત બાકી છે.ત્યારે વેરા વસૂલાત માટેની પ્રક્રિયા ઝડપી બનાવી છે.
આ અંગે પાલિકાના ચીફ ઓફિસર હરીશ અગ્રવાલે જણાવ્યું હતું કે પાલિકા દ્વારા વેરા વસૂલવાની કામગીરી પૂરજોશમાં ચાલુ કરવામાં આવી છે.જેમાં અત્યાર સુધી ૪.૯૩ કરોડની વસૂલાત બાકી છે.જેને લઈને શહેરના ૧૧ વોર્ડમાં અલગ અલગ ટીમો બનાવી ડોર-ટુ-ડોર વસૂલાત પણ શરૂ કરવામાં આવી છે.જે મિલ્કત ધારકોને આગામી બે માસ સુધીમાં વેરો ભરવા અપીલ કરવામાં આવી છે અને જો ૩૧ માર્ચ પછી ૧૮ ટકા પેનલ્ટી સાથે વેરો વસુલવામાં આવશે.જે મિલ્કત ધારકોને નોટિસ આપ્યા બાદ પણ વેરો ભરપાઈ નહીં કરે તો રહેણાંક વિસ્તારમાં નળ જોડાણ કાપવા અને કોમર્શિયલ મિલ્કત હોય તો તેને સીલ કરવા જેવી કડક કાર્યવાહી પણ કરવામાં આવે છે.
ભરૂચ પાલિકાએ વેરો ભરપાઈ નહીં કરનાર મિલ્કત ધારકો સામે લાલ આંખ કરી સમયસર વેરો ભરપાઈ કરવા મિલ્કત ધારકોને અનુરોધ કરવામાં આવ્યો છે.જો નહીં ભરપાઈ કરે તો નળ કનેક્શન કાપવા સહિત મિલ્કત સીલ કરવા સહિતની તૈયારી દર્શાવી છે.




