ઝઘડિયાના પત્રકાર પર હુમલાની ઘટનાના ૧૨ દિવસ વીતવા બાદ પણ આરોપી પોલીસ પકડથી દુર!

SHARE:

– સ્થાનિક પોલીસ ધરપકડ ન કરે તે માટે આરોપી દ્વારા અંકલેશ્વર સેશન્સ કોર્ટમાં આગોતરા જામીન અરજી મુકવામાં આવી
– ઘટનાના બાર દિવસ બાદ પણ સ્થાનિક પોલીસે આરોપીની ધરપકડ નહિ કરીને આગોતરા જામીનની તક આપી હોવાની ચર્ચા !?
– આરોપી ફરીથી હુમલો કરે એવી ફરિયાદીને દહેશત-તેને માટે તંત્રને જવાબદાર ગણાવ્યું

ભરૂચ,
ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના રાણીપુરા ગામ નજીક નર્મદા માંથી ગેરકાયદેસર રીતે રેતી ખનન કરવાની પ્રવૃત્તિ કરનાર ગોવાલી ગામના રેત માફિયા દેવાંગ પાટણવાડીયા દ્વારા તેની આ ગેરકાયદેસર રેતી ખનન પ્રવૃત્તિનો વિરોધ કરનાર પત્રકાર જયશીલ પટેલ પર હુમલો કરવામાં આવ્યો હતો.પત્રકાર પર થયેલ હુમલા સમયે સ્થળ ઉપર કેટલાક જવાબદાર અધિકારીઓ પણ હાજર હતા છતાં અધિકારીઓની હાજરીમાં એક પત્રકાર જેવી જાહેર જીવનની વ્યક્તિ પર હુમલો કરવાની હિંમત ધરાવતો રેતી માફિયા સાચેજ બેફામ ગણાય !ત્યારબાદ આ હુમલાનો ભોગ બનેલ પત્રકારે ઝઘડિયા પોલીસ મથકમાં આરોપી વિરૂધ્ધ ફરિયાદ લખાવી હતી. હુમલાની આ ઘટનાને આ લખાય છે ત્યારે ૧૨ દિવસ જેટલો સમય વીતી ગયો હોવા છતાં આ ઘટનાનો આરોપી હજુ પોલીસ પકડથી દુર રહેતા સ્થાનિક પોલીસની કામગીરી બાબતે સવાલો ઉઠવા પામ્યા છે.પોલીસ સાચેજ આરોપી સુધી હજુ પહોંચી શકી નથી કે પછી આરોપી પ્રત્યે કુણું વલણ અખત્યાર કરી રહી છે,એ બાબતે તાલુકામાં આશ્ચર્યજનક સવાલો ઉભા થયા છે. ઘટનાને બાર દિવસ જેટલો સમય વીતવા છતાં હજુ સ્થાનિક પોલીસ આરોપી સુધી પહોંચી શકી નથી તે વાત પણ આશ્ચર્ય જન્માવી રહી છે,અને પોલીસ ઘટનાના બાર દિવસ વીતવા બાદ પણ આરોપીની ધરપકડ નહિ કરીને તેને કોર્ટમાં આગોતરા જામીન અરજી મુકવ‍ાની તક તો નથી આપી રહીને? એવા પણ સવાલો તાલુકામાં ઉઠી રહ્યા છે. મળતી વિગતો મુજબ આ ઘટનાના આરોપી દેવાંગ પાટણવાડીયાએ અંકલેશ્વર સેશન્સ કોર્ટમાં આગોતરા જામીન મેળવવા ગત તા.૪ થીના રોજ અરજી કરી છે,જેની તા.૬ અને ૭ એમ બે મુદત પડ્યા બાદ આગામી તા.૧૬ મીના રોજ જામીન અરજી બાબતે સુનાવણી થશે.ઉલ્લેખનીય છે કે સ્થળ ઉપર કેટલાક જવાબદાર અધિકારીઓની ઉપસ્થિતિ હોવા છતાં આરોપી દ્વારા પત્રકાર પર હુમલો કરવામાં આવ્યો તે બાબત જ આરોપીની ગુનાહિત માનસિકતા છતી કરે છે અને તેને લઈને આમજનતામાં ભય છવાયો છે.અત્રે નોંધનીય છેકે રાણીપુરા ગામે પત્રકાર પર હુમલો કરવાની ઘટના બન્યા બાદ જિલ્લાના પત્રકારો દ્વારા ભરૂચ જિલ્લા કલેક્ટર,જિલ્લા પોલીસ અધિક્ષક,ઝઘડિયા વિભાગ મદદનીશ પોલીસ અધિક્ષક,ઝઘડિયા પ્રાન્ત અધિકારી તેમજ ઝઘડિયા પોલીસ ઈન્સ્પેક્ટરને આવેદન આપીને ગુનાહિત પ્રવૃત્તિમાં સંડોવાયેલ આરોપી દેવાંગ પાટણવાડીયાની પાસા એક્ટ હેઠળ ધરપકડ કરવામાં આવે તેવી માંગ કરી હતી.
ઉલ્લેખનીય છે કે આરોપી પર અગાઉ પણ ભુસ્તર વિભાગ દ્વારા ફરિયાદ કરવામાં આવી હતી તેમજ વર્ષ ૨૦૧૩ દરમ્યાન આરોપી દ્વારા એક સગીરા પર દુષ્કર્મ કરવાના ગુના હેઠળ નામદાર કોર્ટ દ્વારા તેને સજા પણ કરવામાં આવી હતી.ત્યારે આરોપીનો ગુનાહિત ઈતિહાસ જોતા તેના પર પાસા એક્ટ હેઠળ કાર્યવાહી થવી જોઈએ તેવી માંગ લોકોમાં ઉઠવા પામી છે.પત્રકાર પર થયેલ હુમલાની ઘટનાને ઝઘડિયાના વકિલોએ પણ વખોડી કાઢીને હુમલાખોર પર કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરી હતી. આરોપીના ગુનાહિત ઈતિહાસ ને ધ્યાનમાં લઈને અન્ય ગુનેગારો પણ તેનાથી ધડો લે તેમાટે આરોપીની પાસા એક્ટ હેઠળ ધરપકડ કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે.
– આરોપીના ઓ પત્રકાર તેમજ રાણીપુરાના અન્ય ખેડૂતો પર ફરીથી હુમલો કરે તેવી ફરિયાદીને દહેશત
સ્થળ ઉપર કેટલાક જવાબદાર અધિકારીઓની હાજરી છતાં આરોપી દેવાંગ પાટણવાડીયા પત્રકાર પર હુમલો કરે એ બાબત પોલીસ તંત્રને સામાન્ય લાગે છે? એવો સવાલ આ ઘટનાના ફરિયાદી જયશીલ પટેલે કર્યો છે. ભુતકાળમાં કેટલાક ગુનાઓમાં સંડોવાયેલ આરોપી દેવાંગ પાટણવાડીયા ગુનાહિત ઈતિહાસ  ધરાવતો હોવા છતાં ઘટનાના બાર દિવસ બાદ પણ તે પોલીસ પકડથી દુર રહેતા એને લઇને સમગ્ર જિલ્લામાં આશ્ચર્યસહ સવાલો ઉભા થયા છે.અત્યારસુધી છુટો ફરી રહેલો આરોપી ફરીથી હુમલો નહિ કરે એની ખાતરી કોણ આપશે?આરોપી પોતાના પર તેમજ રાણીપુરા ગામના અન્ય ખેડૂતો પર ફરીથી હુમલો કરે એવો ફરિયાદીને ડર છે,ત્યારે ગુનાહિત ઈતિહાસ અને માનસિકતા ધરાવતા આરોપી દેવાંગ પાટણવાડીયાની પાસા એક્ટ હેઠળ ધરપકડ કરીને કાયદેસર કાર્યવાહી કરવામાં આવે તે જરૂરી ગણાય.

BNI News
Author: BNI News

Leave a Comment

error: Content is protected !!