– પતિના અવસાન બાદ શર્મિલાબહેન વસાવા જાતે જ ટ્રેક્ટર ચલાવીને ખેતી કરે છે, જે ગ્રામ્ય વિસ્તારોમાં મહિલાઓ માટે દુર્લભ પરંતુ પ્રેરક દ્રશ્ય કહી શકાય
– ખેતરમાં ઉગાડેલી પ્રાકૃતિક તુવેરના 10 ફૂટ કરતા વધુ ઊંચાઈના છોડ આજુબાજુના વિસ્તારોમાં આકર્ષણનું કેન્દ્ર બન્યા
(જ્યોતિ જગતાપ,રાજપીપલા)
નર્મદા જિલ્લાના દેડીયાપાડા તાલુકાના નવાગામ પાનુડા ગામના શર્મિલાબેન વસાવાની જીવનગાથા એ માત્ર એક મહિલાની સફળતાની વાર્તા નથી,પરંતુ તે સંઘર્ષ સામે અડગ રહી આત્મવિશ્વાસ,શ્રમ અને યોગ્ય માર્ગદર્શનથી જીવનને નવી દિશા આપવાની જીવંત કથા છે.
તેમના પતિના અવસાનને આજે 12 વર્ષ વીતી ગયા છે. પતિના અકાળે અવસાનથી પરિવારમાં ઊભી થયેલી અસંખ્ય મુશ્કેલીઓ સામે શર્મિલાબહેને હાર માનવાના બદલે જવાબદારીને સ્વીકારી લીધી.તેમનું ઘર,સંતાન અને ખેતી આ તમામ જવાબદારીઓ તેમણે એકલાએ જ સંભાળી લીધી હતી.એક સમય એવો હતો જ્યારે સમાજની નજર,આર્થિક તંગી અને માનસિક દબાણ એક વિધવા મહિલાને નબળી પાડે,પરંતુ શર્મિલાબહેને સંજોગોને જ પોતાની શક્તિ બનાવી દીધી અને પ્રાકૃતિક ખેતી તરફનો પરિવર્તનનો માર્ગ અપનાવ્યો હતો.પોતાની જમીનમાં પરંપરાગત ખેતીમાં વધતા ખર્ચ અને ઘટતી આવકને ધ્યાનમાં રાખીને શર્મિલાબહેને પ્રાકૃતિક ખેતી અપનાવવાનો સાહસિક નિર્ણય કર્યો.ગુજરાત પ્રાકૃતિક વિકાસ બોર્ડ અને આત્મા પ્રોજેક્ટના માર્ગદર્શન હેઠળ તેમણે છેલ્લા ચાર વર્ષથી ઝીરો બજેટ પ્રાકૃતિક ખેતીની શરૂઆત કરી હતી.ચાર એકર જમીનમાં તેઓ જાતે જ ટ્રેક્ટર ચલાવીને ખેતી કરે છે.જે ગ્રામ્ય વિસ્તારોમાં મહિલાઓ માટે દુર્લભ પરંતુ પ્રેરક દ્રશ્ય છે.ખેતીમાં રાસાયણિક ખાતર અને દવાઓનો ત્યાગ કરીને તેમણે ખર્ચ ઘટાડ્યો અને જમીનની ઉર્વરતા જાળવી રાખવામાં આવતા પરિણામે આજે તેઓ ખેતી દ્વારા સ્વમાનભેર જીવન જીવી રહ્યા છે અને સંપૂર્ણ રીતે આત્મનિર્ભર બન્યા છે.
શર્મિલાબહેનના ખેતરમાં ઉગાડેલી પ્રાકૃતિક તુવેરના 10 ફૂટથી વધુ ઊંચાઈના છોડ આજુબાજુના વિસ્તારોમાં આકર્ષણનું કેન્દ્ર બન્યાં છે.આ તુવેર માત્ર પાક નથી, પરંતુ તે તેમની મહેનત, ધૈર્ય અને પ્રાકૃતિક ખેતીની શક્તિનું પ્રતીક છે.આ ઉપરાંત તેમણે ખેતરમાં લસણ, કોબીજ અને હળદર જેવા પાકોની પણ સફળતાપૂર્વક ખેતી કરી છે.ખાસ કરીને પ્રાકૃતિક રીતે ઉગાડેલી હળદરનું ઘરેથી જ માર્કેટિંગ કરીને તેઓ રૂ. 300 થી 350 પ્રતિ કિલોના ભાવે વેચાણ કરે છે,જે પ્રાકૃતિક ખેતીની આર્થિક સક્ષમતા સ્પષ્ટ રીતે દર્શાવે છે.
શર્મિલાબહેનની સફળતામાં સરકારી યોજનાઓ અને સંસ્થાગત સહાય મહત્વપૂર્ણ આધાર બની છે. શ્રોફ ફાઉન્ડેશન દ્વારા તેમને 100 કેસર આંબાની કલમ મળી છે,જ્યારે બાગાયત વિભાગ દ્વારા ટ્રેક્ટર માટે રૂ. 45,000ની સબસીડી મળતા ખેતી કાર્ય વધુ સરળ બન્યું છે. આ સહાય દર્શાવે છે કે યોગ્ય નીતિ અને માર્ગદર્શનથી ગ્રામ્ય મહિલાઓ પણ આર્થિક રીતે સશક્ત અને આત્મનિર્ભર બની શકે છે.તેમણે પોતાના ગામની 12 જેટલી મહિલાઓને પ્રાકૃતિક ખેતીનું માર્ગદર્શન આપી તેમને આત્મનિર્ભર બનવાની દિશામાં પ્રોત્સાહિત કર્યા છે. આજે આ મહિલાઓ પણ પ્રાકૃતિક ખેતી તરફ આગળ વધી રહી છે, જે ગ્રામ્ય મહિલા સશક્તિકરણનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડે છે.




