– રીઢો ગુનેગાર અબ્દુલ પટેલ સામે ૧૦ ગુનાઓ નોંધાયેલા છે
ભરૂચ,
ભરૂચ પોલીસે વાહન ચોરીના ગુનાઓ પર અંકુશ મેળવવા સક્રિયતા દાખવી છે.ભરૂચ શહેર “એ” ડિવિઝન પોલીસે બાઈક ચોરીના એક મોટા રેકેટનો પર્દાફાશ કરી બે રીઢા ચોરોને ઝડપી પાડી તેઓ પાસેથી ૧૦ ચોરાયેલી બાઈકો પણ જપ્ત કરવામાં આવી છે.
ભરૂચ પોલીસે વાહન ચોરીના ગુનાઓ પર અંકુશ મેળવવા સક્રિયતા દાખવી છે.ભરૂચ શહેર “એ” ડિવિઝન પોલીસે બાઈક ચોરીના એક મોટા રેકેટનો પર્દાફાશ કરી બે રીઢા ચોરોને ઝડપી પાડી તેઓ પાસેથી ૧૦ ચોરાયેલી બાઈકો જપ્ત કરવામાં આવી છે.
આ કેસમાં ગત ૨૯જાન્યુઆરી ૨૦૨૬ ના રોજ લોકલ ક્રાઈમ બ્રાન્ચે આમોદના કુરચન ગામના રહેવાસી અબ્દુલ મહંમદ પટેલને ચોરીની બાઈક સાથે ઝડપી પાડયો હતો. તેને વધુ તપાસ માટે ભરૂચ શહેર “એ” ડિવિઝન પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યો હતો.પીઆઈ આર.એમ. વસાવાના માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ ટીમે આરોપીની સઘન પૂછપરછ શરૂ કરી હતી.શરૂઆતમાં આરોપી અબ્દુલ પટેલ પોલીસને સહકાર આપતો ન હતો. પોલીસે કોર્ટમાંથી રિમાન્ડ મેળવી ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરી. આ દરમિયાન જપ્ત કરાયેલી બાઈકોના એન્જિન અને ચેસીસ નંબરમાં છેડછાડ થઈ હોવાનું સામે આવ્યું હતું. યુક્તિપૂર્વક પૂછપરછ કરતા આરોપીએ ૧૦ બાઈક ચોરીની કબૂલાત કરી હતી.આરોપીની મોડસ ઓપરેન્ડી એવી વાપરતા હતા કે તે જૂના અને બિનવપરાશ બાઇકો ભંગારના ભાવે ખરીદી તેની આર.સી બુક મેળવી લેતો હતો.ત્યાર બાદ તે બાઈકો ભંગારમાં વેચી દેતો અને તે જ મોડેલની અન્ય બાઈકો ચોરી કરતો હતો.ચોરી કરેલી બાઈકોમાં તે જૂના બાઈકોના ચેસીસ અને એન્જિન નંબર છપાવવા માટે પાલેજના જહીરશા મહેબુબ દિવાનની મદદ લેતો હતો.જહીરશા ટ્રોલી બનાવવાનું કામ કરતો હતો.નંબર પ્લેટ બદલીને આ ચોરાયેલી બાઈકો ઊંચી કિંમતે વેચવામાં આવતી હતી.પોલીસે અબ્દુલ મહંમદ પટેલ અને જહીરશા મહેબુબભાઈ દિવાન બંનેને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથધરી છે.
પોલીસે હીરો સ્પ્લેન્ડર, સ્પ્લેન્ડર પ્લસ, CD ડિલક્સ, બજાજ બોક્સર અને CT-100 સહિત કુલ ૧૦ ચોરાયેલી બાઈકો જપ્ત કરી છે.આરોપીઓએ આ બાઈકો ભરૂચ, પાલેજ, આમોદ અને નવસારી જેવા વિસ્તારોમાં વેચી હોવાની કબૂલાત કરી છે.
ભરૂચ શહેરના શ્રવણ ચોકડી, મઢુલી સર્કલ, મિપ્કો ચોકડી અને જંબુસર બાયપાસ વિસ્તારમાંથી જેમની બાઇક ચોરાઈ હોય, તેમને જરૂરી પુરાવા સાથે ભરૂચ શહેર “એ” ડિવિઝન પોલીસ સ્ટેશનનો સંપર્ક કરવા અને પોતાની બાઈકની ઓળખ કરવા અપીલ કરવામાં આવી છે.




